بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
ખ્વાબમાં આવ્યું હતું શું ભાન કાલે રાતના.
જાનમાં આવી ગઈ એક જાન કાલે રાતના.
ના રહ્યું'તુ કાંઈ પણ અંજાન કાલે રાતના.
ને નવા ઉઘડ્યા હતા સોપાન કાલે રાતના
લઈ ગયો શબ્બીરનો દરવાન કાલે રાતના.
હું હતો શબ્બીરનો મહેમાન કાલે રાતના.
કે ફરિશ્તા મારી સામે આવ્યા હરખાતા તમામ
હાથ કોઈએ ચૂમ્યો ને કોઈએ કીધા સલામ
જમરૂદી પ્યાલામાં દેતા'તા મને હર એક જામ
બોલ શું હાજર કરું શબ્બીરના ઝાકિર ગુલામ.
કેટલા મોંઘા મળ્યા સન્માન કાલે રાતના,
હું હતો શબ્બીરનો મહેમાન કાલે રાતના.
સૌ નજારા નૂરના ને નૂરના મંઝર હતા,
નૂરની જાજમ હતી ને નૂરના સૌ ઘર હતા,
ને અકીકી પથ્થરોની બારીઓ ને દર હતા,
ઓરડા હર એક એના નૂરથી ત્યાં તર હતા,
થઈ ગયો હું ધન્ય ને ધનવાન કાલે રાતના,
હું હતો શબ્બીરનો મહેમાન કાલે રાતના.
એક સનાઘર ધ્યાનમાં આવ્યું, ઘણાં શાયર હતા,
ફરઝદક, દાબલની જેવા માન્યવર ગૌહર હતા,
ઝૂમતા ત્યાં સાંભળીને 'બૂ ઝરો કંબર હતા,
મહેફિલે મૌલા અલીમાં ખુદ અલી હાજર હતા,
મદ્હમાં હું થઈ ગયો ગુલતાન કાલે રાતના.
હું હતો શબ્બીરનો મહેમાન કાલે રાતના.
હું હતો ઝાકિર તો મારી એ રીતે ઇજ્જત કરી,
મેં પછી મીસમની આગળ બોલવા હિંમત કરી,
'યા અલી! કરજે મદદ' બોલીને મેં મિદ્હત કરી,
મીસમે તમ્માર બોલ્યા વાહ શું રંગત કરી,
દાદ ખુદ દેતા હતા સલમાન કાલે રાતના.
હું હતો શબ્બીરનો મહેમાન કાલે રાતના.
મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.