بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
રાખે સદા જે દિલમાં વિલા અહલેબૈતની,
સર પર રહે છે એના અતા અહલેબૈતની.
રહેમાન મદહખ્વાન છે કુરઆનમાં દેખો,
ઝળકે છે આયતોમાં સના અહલેબૈતની.
નૂરી કવનથી નૂરની મહેફિલ સજાવીને,
ભેગા મળીને કરીએ સના અહલેબૈતની.
એના સહારે ચાલી રહી છે તમામ ખલ્ક,
સંસાર પર રહી છે દયા અહલેબૈતની.
દુશ્મનને પણ મુઆફ કરે, દે ન બદ્દુઆ,
રહેમાન જેવી રહી છે પ્રથા અહલેબૈતની.
હર દૌરમાં સતાવ્યા સિતમ ને જુલમથી તેં,
જાલિમ હતી શું બોલ ખતા અહલેબૈતની ?
કર ગૌર કે કુરઆનની આયત બતાવશે,
અલ્લાહની નજરમાં જગા અહલેબૈતની.
સલવાર માઅરેફતની, મોહબ્બતનો કમરબંદ,
અઝમત ને મંઝિલત છે અસા અહલેબૈતની.
અલ્લાહ ખુદ ઓઢાવે રિઝાનું કમીઝ તો,
અલ્લાહની રિઝા છે રિઝા અહલેબૈતની.
હૈબતની દઈ રિદા ને હિદાયતનો તાજ દઈ,
અલ્લાહ દે આ જગને મતા અહલેબૈતની.
હુર જેવા થઈ ગયા છે અલૈહિસ્સલામ જો,
લાગી જરા જો એને હવા અહલેબૈતની.
વેઠીને ભૂખ પ્યાસ બચાવે એ દીનને,
સમજી શકે શું કોઈ વ્યથા અહલેબૈતની.
લઈને કલમ વિલાની નિરંતર તું અય "કલીમ",
કરજે સદા કવનમાં કથા અહલેબૈતની.
ખાદિમ હુસૈન મોમિન “કલીમ” વલેટવા.