body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

મંગળવાર, 12 ડિસેમ્બર, 2023

હું ચાદર ફાતેમાની છું

 

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

 


રહી છું નૂરથી સરભર, હું ચાદર ફાતેમાની છું,

શિફા પામે છે પયગંબર હું ચાદર ફાતેમાની છું.

મને જોઈ પઢી કલમો યહૂદી થઈ ગયા મુસ્લિમ

ન સમજો મામૂલી વસ્તર, હું ચાદર ફાતેમાની છું.

ખુદાએ જેના માટે મોકલી છે આયતે તત્હીર

સજી હું એમના તન પર, હું ચાદર ફાતેમાની છું.

મને રાખી છે ઝહરાએ સદાએ હેત દઈ દઈને,

મુકદ્દર પામી છું બહેતર, હું ચાદર ફાતેમાની છું.

સબરની સોય લઈને તાંતણા તક્વાના ગૂંથ્યા છે,

ઝોહદની છે ઝરી ઝરમર, હું ચાદર ફાતેમાની છું.

ઇલાહીના રહસ્યો મારી સામે ખુલ્લે ખુલ્લા છે,

હું પડદો રાખું એના પર, હું ચાદર ફાતેમાની છું.

બધાએ અંબિયા ઇર્ષા કરે છે એની કિસ્મત પર,

સજી જો હુરના માથા પર, હું ચાદર ફાતેમાની છું.

કનીઝીમાં હું ઝહરાની રહી કંઈ કેટલા વર્ષો,

છું હું પણ નૂરની પૈકર, હું ચાદર ફાતેમાની છું.

કદી ઝૈનબ કદી કુલસૂમને સાયો કર્યો છે ને-

છે પોઢયા શબ્બીરો શબ્બર, હું ચાદર ફાતેમાની છું.

લૂંટી છે કરબલામાં જાલિમોએ આલે અત્હરથી,

દિલે સદમો છે એ દુષ્કર, હું ચાદર ફાતેમાની છું.

ઇલાહી નૂર સાથે રહીને થઈ ગઈ છું હું નૂરાની,

મને સમજો નહીં કમતર, હું ચાદર ફાતેમાની છું.

યદુલ્લાહે યહૂદી ઘેર જો મૂકી મને ગિરવે,

સવાલી થઈ ગયો બાઝર, હું ચાદર ફાતેમાની છું.

હું ઝહરાની નમાઝો ને દુઆઓમાંય શામિલ છું,

છે મુજ પર સજદામાં હૈદર, હું ચાદર ફાતેમાની છું

સુગંધી મારામાંથી આયતે તત્હીરની આવે

છે ફિક્કા મુશ્ક ને અંબર, હું ચાદર ફાતેમાની છું.

નબી હસનૈન હૈદર થાય દાખલ ને શિફા પામે,

રહે જિબ્રીલ પણ તત્પર, હું ચાદર ફાતેમાની છું.

હો ભેગા પાંચ તન, જિબ્રીલ પણ શામિલ થવા ચાહે

નથી મારો કોઈ ઉત્તર, હું ચાદર ફાતેમાની છે

કરે છે રશ્ક કાબાનો ગિલાફ ય મારી કિસ્મત પર

મળ્યું છે ફાતેમાનું ઘર, હું ચાદર ફાતેમાની છું.

કયામતમાં ય હું ઝહરાના માથે શાનથી આવીશ

નથી હું થઈ કદી બેઘર, હું ચાદર ફાતેમાની છું.

રૂમાલે ફાતેમામાં આંસુ કરબલના ને મારામાં,

છે અશ્કે ઝહરાના ગૌહર, હું ચાદર ફાતેમાની છું.

મને ઇસ્મતના રંગોથી છે રંગી સિબ્ગતુલ્લાહે,

નથી મારુ કોઈ હમસર, હું ચાદર ફાતેમાની છું

"કલીમે"તાપ જોયો હશ્રનો, કીધું ન ડરજે તું,

કરું છું છાંયડો સર પર, હું ચાદર ફાતેમાની છું.


ખાદિમહુસૈન 'કલીમ' મોમિન