بِسْمِ اللّٰهِ
الرَّحْمٰنِ الرَّحِيْمِ
આવે છે યાદ ખુમનો
એ અવસર હજી સુધી,
ઝંખે એ દ્રશ્ય
જોવા દિવાકર હજી સુધી.
હૈદરના મદહખ્વાન
કદી કમ નહીં થશે,
છલકી રહ્યા છે
મદહના સાગર હજી સુધી.
ઇન્કાર મૂર્તઝાની
વિલાયતનો જે કરે,
ઉતરે છે એના મસ્તકે
પથ્થર હજી સુધી.
પામ્યા નજાત શાહના
ખોળામાં એટલે,
હુર પર કરે છે
ગર્વ મુકદ્દર હજી સુધી.
મેરાજી મરતબો તો
ફક્ત મુસ્તફાનો છે,
પામી શક્યા ન કોઈ
પયમ્બર હજી સુધી.
આલે નબીના ઘ્વારને
છોડીને જે ગયા,
દર દરની ખાતા જાય
તે ઠોકર હજી સુધી.
અબતર નબીને કહેનારા
કુરઆન પઢ જરા,
આપે પુરાવો સુરએ
કૌસર હજી સુધી.
બદલાશે કોઈ દિ
નહીં બદલાયું પણ નથી,
છે ઇલ્મના શહેરનું
અલી દર હજી સુધી.
રોજે અજલથી હું
તો અલીનો ગુલામ છું,
આપે સદા એ મસ્ત
કલંદર હજી સુધી.
ખુલ્લા ખુદાની
જેમ આ ગાઝીના હાથ છે,
પામે છે સૌ મુરાદ
ગદાગર હજી સુધી.
કરબોબલા એ હો કે
મહોર્રમના તાજીયા,
પહેરો ભરે છે શેહનો
દિલાવર હજી સુધી.
અકબરની એ અઝાનનો
બેશક કમાલ છે,
સુરત રહી નમાઝની
સુંદર હજી સુધી.
સુઘરાનો એ સવાલ સતાવે છે રાત દિન,
આવ્યા ન લેવા કેમ
બિરાદર હજી સુધી.
બહેલોલ જેમ વેચે
બનાવીને જન્નતો,
એવો ન જોયો કોઈ
કલાધર હજી સુધી.
હુરનો પ્રથમ સબક
હજી સમજી નથી શક્યો,
કરબોબલાનું ચાલે
છે ભણતર હજી સુધી.
બોત્તેરનો કરમ
છે કે આવી ન પાનખર,
દીને ખુદાના પાક
ચમન પર હજી સુધી.
તારા મઝારનો છે
તને વાસતો હુસૈન,
તારો "કલીમ"
જીવે છે બેઘર હજી સુધી.
મોમિન ખાદિમહુસૈન
"કલીમ"- વલેટવા