بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
હલઅતા ને ઇન્નમા
યાસીન તાહામાં હુસૈન,
ઝીક્ર તારો પણ
મળે પ્રત્યેક સૂરામાં હુસૈન.
દુન્યવી ધનવાનના
રણકાર સૌ ફિક્કા પડે,
આવે છે તૌહીદી
રણકો તારા સિક્કામાં હુસૈન.
દિલ તો કાબા છે
મગર એક વાત આ પણ સત્ય છે,
હર ઘડી હાજર રહે
છે મારા હૈયામાં હુસૈન.
જ્હોન,હુર,
વાહબને જે રીતે તેં
આપી'તી નજાત,
અમને પણ તારી જજે
તું તારી નૌકામાં હુસૈન
ઓલવી બોત્તેર દિવા, દીન તેં રોશન કર્યો,
છે અજબ કારીગરી
અજવાસ કરવામાં હુસૈન.
મૌતનું ચક્કર પછી
એને ભલા શું મારશે,
હુર બની આવી ગયો
જે તારા કિલ્લામાં હુસૈન.
તોય આંખોની અટારી
પરથી આંસુ નીતરે,
નામ લઉં તારું જો હું ખુશીઓના મૌકામાં હુસૈન.
તું પ્રથમ બોલે
પછી કિસ્મત બધી લેખાય છે,
હક છે એ લૌહો કલમ
છે તારા કબજામાં હુસૈન.
ઋણ ચૂકવી ના શકે
કોઇ આખરી સજદા સુધી,
જોર કઈ એવું હતું
એક તારા સજદામાં હુસૈન.
લાખના લશ્કરને
પળમાં મેળવી દે ખાકમાં,
એટલી હિંમત હતી
એક તારા સક્કામાં હુસૈન.
તારા કહેવાથી દુઆ
પર દસ્તખત થઈ જાય છે,
થાય ખુદ રાજી ખુદા
આમીન કહેવામાં હુસૈન.
નામ લઉં શબ્બીરનું
તો સાદ આવે "એહમદી",
ને મોહંમદ બોલું
તો સંભળાય પડઘામાં "હુસૈન"
તેં હબીબને જે
રીતે કાગળ લખી આપ્યું ઇજન,
એ રીતે દે જે નિમંત્રણ
તારા ખયમાંમાં હુસૈન.
ભીખ પામું તારા
ઘરની એ જમાનો આપજે,
હુંય સાઈલ થઈને
આવું તારા ફળિયામાં હુસૈન.
કરબલામાં જે ઘડી
તેં ખૂન અસગરનું લીધું,
વિશ્વની રોજી હતી
એક તારા ખોબામાં હુસૈન.
હુરની જેમજ જઈ
રહ્યા'તા કુફ્રના અંધારમાં,
શુક્ર છે અમને
મળ્યા કાશીના રસ્તામાં હુસૈન.
છે તડપ તારા મિલનની
કે બળીને ખાક થઉં,
જે મજા આવે છે
પરવાનાને બળવામાં હુસૈન.
જે લખાયું છે, ફક્ત એ છે કિનારા પરની વાત,
કોઈ નહીં પોહચે
ફઝીલતના એ દરિયામાં હુસૈન.
વાસ્તો આપું છું
તારા પારણાનો પ્યારથી,
લાવલદના ઘેર બાળક
ઝૂલે ઝુલામાં હુસૈન.
સૌ જગત પરની કલમ
લેખી શકે તારી સના,
એટલી સ્યાહી નથી
દુનિયાના દરિયામાં હુસૈન.
તોય ના સંપૂર્ણ
થઈ તારી ફઝીલતની કથા,
કેટલી સદીઓ વીતી
ગઈ તારી ચર્ચામાં હુસૈન.
મૌત તક મારી કલમ
તારી સના કરતી રહે,
ફિક્ર તું બસ પૂરતો
રહેજે દિલના ખડીયામાં હુસૈન.
ખાદિમહુસૈન
"કલીમ" મોમિન. વલેટવા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો