بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
મઝ્લૂમની મહેનત ઝિંદાબાદ, સરવરની
શહાદત ઝિંદાબાદ
ઇસ્લામ છે રોશન જેનાથી, એ
શમ્મે હિદાયત ઝિંદાબાદ.
(1)
ના જુલ્મ સિતમ કરવા માટે, ના તાજ હુકૂમત ધરવાને
ના માલ મતાની લાલચમાં, ના જંગ કોઈ પણ લડવાને
શબ્બીર મદીનાથી નીકળ્યા ઉમ્મતનો
સુધારો કરવાને.
ઇસ્લામને માટે કરબલમાં, સરવરની કયાદત
ઝિંદાબાદ
(2)
હક રાહ ઉપર ઘરબાર ધરે, કુરબાન કરે સઘળા ઘરને,
અક્બરની જવાની આપી દે, કુરબાન કરે તું અસ્ગરને
હક માટે ફિદા થઈ જાય અને હક માટે
લૂંટાવે જીવતરને,
આ સબ્ર છે તારી અય મૌલા, આ સબ્ર ને હિંમત
ઝિંદાબાદ.
(3)
ના ભાઈ રહ્યા,અસ્હાબ નથી, છે જુલ્મના ઘેરામાં સરવર
છે અસ્રના સજ્દામાં માથું, ને શિમ્રનું ગરદન પર ખંજર,
ઉમ્મતને દુઆઓ આપે છે, ના કોઈ શિકાયત છે લબ પર
આ કામ ફકત તારાથી થયું, છે તારી સખાવત
ઝિંદાબાદ.
(4)
શબ્બીરને પ્યાસા કત્લ કરી, જાલિમને હતું કે જીત થઈ
બોત્તેર સિપાહી જીવે છે, બાતિલનું જગતમાં નામ નથી,
હક કાયમ છે, હક રોશન છે દુનિયાએ હકીકત જોઈ લીધી
છે ચૌદસો વર્ષોથી કાયમ, માઅસૂમ ઇમામત
ઝિંદાબાદ
(5)
જાલિમનો હતો મક્સદ એક જ ઇસ્લામ રહે
ના દુનિયામાં
અહમદનું એની આલનું પણ કોઈ નામ રહે
ના દુનિયામાં
હક બાકી રહે ના હકવાળો પૈગામ રહે
ના દુનિયામાં
શબ્બીરની મહેનતથી કિન્તુ છે દીન
સલામત ઝિંદાબાદ
(6)
તું લાખનું લશ્કર લઈ આવે, હકવાળો ડરી શકશે ન કદી
તું કરશે પ્રયત્નો લાખ છતાં શબ્બીર
મરી શકશે ન કદી
છે નૂર ખુદાનું અય જાલિમ તું કત્લ
કરી શકશે ન કદી
નેઝાની અણી પર જોઈ લે તું છે શેહની
તિલાવત ઝિંદાબાદ.
(7)
આ ફર્શે અઝા માતમદારી હલ્મિનની
સદાનો ઉત્તર છે
મઝ્લૂમનો ગમ છે હર દિલમાં ને
આંખમાં અશ્રુ સાગર છે
મઝ્લૂમનો હર એક હામી છે મઝ્લૂમના
આશિક ઘર ઘર છે.
હર કોમ પુકારે છે એને, હર કોમની ઉલ્ફત
ઝિંદાબાદ.
(8)
કરબલ છે મોહબ્બતનું મક્તબ, માનવતાનો મદ્રેસો છે,
ને સત્ય અહિંસા, ધીરજના, અનમોલ અહી ઉપદેશો છે
દુનિયામાં અમન કાયમ રાખો, શબ્બીરનો એ સંદેશો છે
મહેંકાવશે જીવનના બાગે, શબ્બીરની ફિતરત
ઝિંદાબાદ.
(9)
કરબલથી સદા હુર આપે છે, શબ્બીરની સાથે થઈ જાઓ
હક રાહ છે બસ એની રાહે, કિરદાર હુસૈની અપનાવો
કાયમનું જીવન છે અહિયાં તો, લબ્બૈક કહી દોડી આવો
આ રાહ ઉપર બંને જગની, છે કાયમી રાહત
ઝિંદાબાદ.
(10)
સરવરની અઝાદારી માતમ શબ્બીરનો ગમ
કાયમ રહેશે
છે ચૌદસો વર્ષોથી ઊંચો, ગાઝીનો સદા પરચમ રહેશે
કરબલની કથા કાયમ રહેશે, આ ગમની સદા મોસમ રહેશે.
આ ફર્શે અઝાનો ફૈઝ રહે, ઝહરાની નેઅમત
ઝિંદાબાદ
(11)
સરવરની અઝાદારી માટે, એક કોમને રબ ખુદ ખલ્ક કરે
હૈદરની વિલાયત આપી દે, ને કરબોબલાનો ઇશ્ક ભરે
મઝ્લૂમના માતમદાર બની, મઝ્લૂમના ગમને દિલમાં ધરે,
ઝહરાની દુઆઓના સદકે, ઝૈનબની અમાનત
ઝિંદાબાદ.
(12)
'ખાદિમ' ને 'કલીમે કરબોબલા' છે ફર્શે અઝાના પરવાના
મઝ્લૂના હામી થઈને એ તબ્લીગ હુસૈની
કરવાના
ને કરબોબલાને યાદ કરી એ જામ હુસૈની
પીવાના
હર દૌરમાં કાયમ રહેવાની આ હકની
હિમાયત ઝિંદાબાદ.