body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

સોમવાર, 25 ઑગસ્ટ, 2025

જતન મુજાહિદનાં

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

                                                                            

મુરીદ શી રીતે ભૂલે જતન મુજાહિદનાં,

હજીય મેંહકી રહ્યાં છે ચમન મુજાહિદનાં.

 

તમે આ ઇલ્મના દરવાજેથી પ્રવેશો જરા,

જો કરવા હોય તમારે મિલન મુજાહિદનાં.

 

હજીય ગુંજે છે દીનિયાતના સ્વરૂપે એ,

હજીય તાજા છે હર એક સુખન મુજાહિદનાં.

 

હિદાયતોના હકીકી ચમનમાં દાખલ થઈ,

પધારો મેહેરમાં મેંહકો સુમન મુજાહિદના.

 

હદયમાં રાખજો એને જીવન ચમકશે સદા,

અનોખા છે ને અમોલા રતન મુજાહિદના.

 

શહીદ જીવે છે,કાયમ એ જીવતા રહેશે,

કહે છે કોણ થયા છે ગમન મુજાહિદના ?

 

જો ફેરવું છું હું તફસીરના એ પાનાં તો,

સુણાઈ દે છે મને હર કથન મુજાહિદના.

 

ચમકવા દો આ હિદાયતનો આફતાબ જરા,

જમાનો જોશે પિસરમાં ચલન મુજાહિદનાં.

 

કરી છે એણે હિદાયત તો આપજો સહકાર,

કદી ન ભૂલતા લોકો વચન મુજાહિદનાં.

 

હું એટલે જ ભટકતો નથી જરાય "કલીમ",

નયનની સામે રહે છે નયન મુજાહિદના.

 

મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.


નફ્સની પેરવી

 

 

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


નફ્સની પેરવી વધી ગઈ છે

ખોટી ખોટી જગા ગમી ગઈ છે

 

આજ જોયા છે કામરાનને મેં

આજ મંઝિલ મને મળી ગઈ છે

 

મીસમે પીધી જે ધરાઈને,

એ મદિરા મને ચઢી ગઈ છે

 

ચહેરો તરબોળ નૂરથી એનો

દીદ એહમદની આજ થઈ ગઈ છે

 

નામ લીધું અલી તો સૌ મુશ્કિલ

મૂંઝવણમાં પડી, હટી ગઈ છે 

 

એક ઇન્કાર છે હજી રોશન

લાશ બૈયતની જો સડી ગઈ છે

 

શેર આરામથી ફરે નહેરે 

ઊંઘ જાલિમની જો ઊડી ગઈ છે

 

શું વધ્યું છે? યકીનના સિક્કા

ને મૂડી સબ્રની રહી ગઈ છે

 

દુનિયા મારા વિરોધમાં કાયમ

યોજના નિત નવી ઘડી ગઈ છે

 

શાયરી કેમ ના લખે શાયર ?

કે દુઆ પીરની ફળી ગઈ છે

 

ચૌદ સદીઓથી ગાઝીના રોઝે 

લેવા ચક્કર જુઓ નદી ગઈ છે

 

પીરનો હું ય એક હુર હોતે

નફ્સની પેરવી નડી ગઈ છે

 

ઇશ્કે હૈદર થકી ગુનાહોની

એક એક પાંદડી ખરી ગઈ છે

 

નામ હૈદરનું બારણે જોઈ

પાછી આફત બધી વળી ગઈ છે

 

તેગ એવી પડી તબસ્સુમની

ફોજ ઊભી ઊભી રડી ગઈ છે

 

શું ભલા સુખ ને દુખ હસું છુ હું

ટેવ બેશીરની પડી ગઈ છે

 

રબના દીદાર પામવા માટે 

રૂહ મારી નજફ ભણી ગઈ છે

 

પામી શબ્બીરની રઝા -યાની    

હુરને રબની રઝા મળી ગઈ છે

 

ખાકે કરબલનો સુરમો આંજી

આંખ અલ્લાહને ઓળખી ગઈ  છે

 

કેટલા ખુલ્દમાં છે મારા મહેલ

હુરો હમણાં જ એ ગણી ગઈ છે

 

સાત સદીઓથી માથે મુર્શિદ છે

ક્યાં જમાત એકલી પડી ગઈ છે?

 

ચેહરો ચમકાવવા જડીબુટ્ટી

જ્હોન પાસેથી એ જડી ગઈ છે

 

બારમાની તમન્ના જીવે છે

મોહ માયા બધી મરી ગઈ છે

 

ખાદિમહુસૈન 'કલીમ' મોમિન

ગુરુવાર, 24 જુલાઈ, 2025

સબીલે હુસૈન પર

 

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


ઇન્સાનની નજાત સબીલે હુસૈન પર

હકની હર એક વાત સબીલે હુસૈન પર

 

કરબલની પાઠશાળામાં બેસીને માતમી

શીખે છે દીનિયાત સબીલે હુસૈન પર

 

હુર જેમ કિસ્મતોની સવારો નસીબ હો

પડશે કદી ન રાત સબીલે હુસૈન પર.

 

બોત્તેર રુત્બા પામ્યા અલૈહિસ્સલામના,

લોહીની દઈ ઝકાત સબીલે હુસૈન પર.

 

સુખ શાંતિ ને મેળવે જન્નત ધરા ઉપર.

આવે જો કાએનાત સબીલે હુસૈન પર.

 

ખુશ થઈને કહેશે પીર કે બાબા અલી જુઓ,

મોમિનની છે જમાત સબીલે હુસૈન પર.

 

પામે છે રાહગીર અહીં કાયમી જીવન,

હોતી નથી વફાત સબીલે હુસૈન પર.

 

થઈ જાય છે બુલંદ દરજ્જાઓ નફસના,

તાગૂતની છે મ્હાત સબીલે હુસૈન પર.

 

અલ્લાહની આયતમાં તું ચિંતન મનન કરી,

પામી લે સૌ મિરાત સબીલે હુસૈન પર.

 

કરબલના હર શહીદ ઉપર કર મનન જરા,

છે ઇશ્કની સલાત સબીલે હુસૈન પર.

 

આ રાહ પર "કલીમ" તું પામી લે અમરતા,

છે કાયમી હયાત સબીલે હુસૈન પર.

 

ગદીર મુસદ્દસ

 

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


ચલ અય કલમ ગદીરની અઝમત બયાન કર

અલ્લાહથી નબીની અમાનત બયાન કર

કોને નબીએ સોંપી ખિલાફત બયાન કર

હૈદરની આન બાન ફઝીલત બયાન કર

 

દીને નબીના પાક એ અવસરની વાત કર

સજ્દો બજાવી કાગળે હૈદરની વાત કર.....૧

 

શું છે ખુદાએ પાકનું ફરમાન, ખોલી દે

શું અહમદે કર્યું હતું એલાન, ખોલી દે

શું મિમ્બરે અલીની હતી શાન, ખોલી દે

ચલ વાત માન દિલના તું અરમાન ખોલી દે

 

હકની ઝબાન ખોલ ખિલાફતની મદ્હ કર

અલ્લાહના વલી ને વિલાયતની મદ્હ કર.....૨

 

કેવા હતા ગદીરના મંઝર જણાવ તું,

કેવા હતા ખુશીમાં પયમ્બર જણાવ તું,

અલ્લાહના વલીના એ જૌહર જણાવ તું,

અલ્લાહના ઉમંગનો અવસર જણાવ તું,

 

રબના વલી, નબીના વસીનું તું નામ લે,

સાકી બની તું ખુમની વિલાયતનો જામ દે...૩

 

પીતા હતા જે બૂ ઝરો સલમાન એ શરાબ

જેને તહુરા કેહતું હો કુરઆન એ શરાબ

દિલમાં વધારે ઇશ્ક ને ઇરફાન એ શરાબ

થઈ જાઉં જેને પીને હું મસ્તાન એ શરાબ.

 

સાકી તું લાવ મય જે અલીની વિલાની છે,

ચાખે જો જિબ્રઈલ તો બોલે મજાની છે.....૪

 

બોલી કલમ કે ચાલ બતાઉ તને ગદીર,

ભેગા કરે છે સૌને જો નબીઓના એ અમીર,

ત્યાં જો ઉભા રહ્યા છે બધા ઔલિયાના પીર,

વૃદ્ધો, યુવાન, રાહ જુએ છે બધા સગીર,

 

સૂરજ છે માથા પર અને ગરમી છે કારમી,

ટાઢક વળી દિલે કે છે ઝિલ્હજ અઢારમી.....૫

 

હકનો હુકમ છે, કારે રિસાલત ગદીર છે,

દીને ખુદા, રસૂલની, દૌલત ગદીર છે,

રહેમાનનો કરમ છે ને રહમત ગદીર છે,

જન્નત છે મોમિનોની ને નેઅમત ગદીર છે,

 

ઊભી છે જો નબીની સવારી ગદીર પર,

રહમત ખુદાએ આજ ઉતારી ગદીર પર.....૬

 

મનકુન્તોના બયાનની તફ્સીર છે અલી,

તક્દીર હકની બોલી કે તક્દીર છે અલી,

સંપૂર્ણ આજ દીનની તસ્વીર છે અલી,

બેશક નબીના દીનની તૌકીર છે અલી,

 

હૈદરની શું બુલંદી છે જગને બતાવવા,

ઊંટોના લીધા કાઠડા મિમ્બર બનાવવા....૭

 

પહોંચાડે છે પયામ પયમ્બર ગદીરમાં,

મિમ્બર સજાવે મીસમો કંબર ગદીરમાં,

છાંટી રહ્યા છે મદ્હનું અત્તર ગદીરમાં,

ઠંડક જો આપે આજ દિવાકર ગદીરમાં،

 

હાજર ત્યાં એક લાખને ચોવીસ હજાર છે,

બળબળતા એ બપોરમાં ઉઘડી સવાર છે....૮

 

મિમ્બર ઉપર રસૂલનું એલાન સાંભળો,

ઈમાન લાવનાર મુસલમાન સાંભળો,

અય હાજીઓ! ખુદાનું આ ફરમાન સાંભળો,

ખુલ્લા કરીને કાન, ધરો ધ્યાન સાંભળો,

 

સૌથી અઝીમ આજ રિસાલતનું કામ છે,

પહોંચાડું આ પયામ તો હુજ્જત તમામ છે....9

 

મિમ્બર ઉપર અલીને બોલાવે છે જો રસૂલ,

હૈદરનો લઈને હાથ ઉઠાવે છે જો રસૂલ,

ઊંચા કરી અલીને બતાવે છે જો રસૂલ,

પોતાનો જાનશીન બનાવે છે જો રસૂલ,

 

મેઅરાજનો એ હાથ છે, સંપર્ક એ જ છે,

પરદો નથી ગદીરમાં બસ ફર્ક એ જ છે....10

 

મનકુન્તોનું બયાન છે અહમદના હોઠ પર,

ઊંચા કર્યા બે હાથથી હૈદરને કર નજર,

બેશક છે પૂર્ણ આજ રિસાલતની આ સફર,

પયગામ આજ મારો સુણી લે હર એક બશર,

 

આઝાદ હો ગુલામ, તવંગર કે હો ફકીર,

સૌ મોમિનોના આજથી મૌલા અલી અમીર..11

 

આ સાંભળીને અર્શ ઉપર ઝૂમે અંબિયા

આપસમાં એકબીજાને ભેટે છે ઔલિયા

શુક્રે ખુદા બજાવે છે સજ્દામાં ઔસિયા

જિબ્રિલ લઈને આવ્યા છે પૈગામે કિબ્રિયા

 

યા અય્યોહર્રસૂલ! વિલાયતના તાજથી,

અલ્લાહનો આ દીન મુકમ્મલ છે આજથી. 12

 

સલમાન પી રહ્યા છે ભરીને વિલાનો જામ

બૂ ઝર કરી રહ્યા છે નબીનો પયામ આમ

કમ્બર ગુલામ ઝૂમે છે લઈ લઈ અલીનું નામ

હૈદરનો હાથ ચૂમે છે હૈદરના સૌ ગુલામ

 

આદમને જેમ સજ્દે ફરિશ્તા ઝુક્યા હતા

મોમિન અલીની બૈતમાં એમ જ ઝૂકી ગયા..13

 

પીવો ને પીવડાવો મદિરા ગદીરની

પઢતા રહો "કલીમ" કવિતા ગદીરની

ભૂલે ઝમાનો કઈ રીતે ગાથા ગદીરની?

ઉજવે છે ઈદ ઇમામે ઝમાના ગદીરની.

 

દીદારથી ઇમામના તર આંખડી થશે,

તો ઈદ પર આ વર્ષે ખુશી બેવડી થશે..14

 

મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા