بِسْمِ اللهِ الرَّحْمٰنِ
الرَّحِيْمِ
મુરીદ શી રીતે ભૂલે જતન મુજાહિદનાં,
હજીય મેંહકી રહ્યાં છે ચમન મુજાહિદનાં.
તમે આ ઇલ્મના દરવાજેથી પ્રવેશો જરા,
જો કરવા હોય તમારે મિલન મુજાહિદનાં.
હજીય ગુંજે છે દીનિયાતના સ્વરૂપે એ,
હજીય તાજા છે હર એક સુખન મુજાહિદનાં.
હિદાયતોના હકીકી ચમનમાં દાખલ થઈ,
પધારો મેહેરમાં મેંહકો સુમન મુજાહિદના.
હદયમાં રાખજો એને જીવન ચમકશે સદા,
અનોખા છે ને અમોલા રતન મુજાહિદના.
શહીદ જીવે છે,કાયમ એ જીવતા રહેશે,
કહે છે કોણ થયા છે ગમન મુજાહિદના ?
જો ફેરવું છું હું તફસીરના એ પાનાં તો,
સુણાઈ દે છે મને હર કથન મુજાહિદના.
ચમકવા દો આ હિદાયતનો આફતાબ જરા,
જમાનો જોશે પિસરમાં ચલન મુજાહિદનાં.
કરી છે એણે હિદાયત તો આપજો સહકાર,
કદી ન ભૂલતા લોકો વચન મુજાહિદનાં.
હું એટલે જ ભટકતો નથી જરાય "કલીમ",
નયનની સામે રહે છે નયન મુજાહિદના.
મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો