بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
અય દીને મુસ્તફાના અલમદાર યા હુસૈન.
ઇસ્લામ તારા ઘરનો કરજદાર યા હુસૈન.
રબ્બે જલીની આલમે અરવાહમાં સદા
દેશે કસોટી કોણ વસાવીને કરબલા?
મસ્તક કપાવી કોણ થશે હક ઉપર ફિદા?
ઝહરાનો લાલ બોલ્યો કે લબ્બૈક યા ખુદા
નબીઓની આવી મરહબા પોકાર યા હુસૈન...1
આવો બતાવું તમને હકીકત હુસૈનની
રોઝે અઝલથી રબને છે ચાહત હુસૈનની
ઇસ્લામને પડી જો જરૂરત હુસૈનની
કામ આવી દીનને ત્યાં હિમાયત હુસૈનની.
ઇસ્લામનો રહ્યો તું મદદગાર યા હુસૈન...2
સજ્દામાં પુશ્ત પર જે નબીની સવાર છે,
એના થકી જ દીને ખુદામાં બહાર છે
ઇબ્ને અલીથી દીનનો દારો મદાર છે
ઝહરાનો લાલ સબ્રનો પરવરદિગાર છે.
જન્નતના નૌજવાનોનો સરદાર યા હુસૈન...3
ઇન્સાનિયતનો અર્થ બતાવી ગયો હુસૈન
હકના ચિરાગ જગમાં જલાવી ગયો હુસૈન
બાતિલની જગથી હસ્તી મિટાવી ગયો હુસૈન
રબથી કરેલ કોલ નિભાવી ગયો હુસૈન
ચાહે છે એટલે તને સંસાર યા હુસૈન...4
શબ્બીર તારા લોહીથી ઇસ્લામની હયાત
સબ્રો રઝા ને હકની, ઝોહદની તું દીનિયાત
મસ્તક ઝુકાવે તારા દરે આખી કાએનાત
હુર તારા દ્વારે આવીને પામી ગયો નજાત
કુલ કાએનાત તારી તલબગાર યા હુસૈન...5
બાતિલની સામે હાથ કદી ના ધરે હુસૈન
કુરબાન થઈને દીનમાં જીવન ભરે હુસૈન
લાખોની ફૌજ હોય છતાં ના ડરે હુસૈન.
થઈ જાય કત્લ પ્યાસો, છતાં ના મરે હુસૈન
રબની રઝામાં રાજી છે ખુદ્દાર યા હુસૈન..6
રાહે ખુદામાં સઘળું લૂંટાવી ગયો હુસૈન
અક્બરની લાશ રણમાં ઉઠાવી ગયો હુસૈન
અસ્ગરની કબ્ર રણમાં બનાવી ગયો હુસૈન
દિલ પર હર એક જખ્મ સજાવી ગયો હુસૈન
મજબૂર કેટલો છે ને લાચાર યા હુસૈન...7
ઇસ્લામમાં સલામતી, તારા વગર નથી
દુનિયામાં કોઈ જિંદગી, તારા વગર નથી
રબ્બે જલીની બંદગી, તારા વગર નથી
દીને ખુદામાં રોશની, તારા વગર નથી
તારા વગર છે દીન નિરાધાર યા હુસૈન...8
શબ્બીર તારી જગમાં શહાદત છે યાદગાર
તારી નમાઝ, સજ્દો, ઇબાદત છે યાદગાર
નોકે સિના કરી એ તિલાવત છે યાદગાર
હિંમત ને સબ્ર તારી, શુજાઅત છે યાદગાર.
ઇસ્લામ ભૂલશે નહીં ઉપકાર યા હુસૈન...9
તારો આ ઝિક્ર ચૌદસો વર્ષોથી થાય છે
કુરબાની તારી વિશ્વમાં ઉન્નત ગણાય છે
વિદ્વાન, સંત, ઔલિયા ગુણગાન ગાય છે
તારા સમો શહીદ જગતમાં ન ક્યાંય છે
ઉપદેશ હકનો વિશ્વને દેનાર યા હુસૈન...10
રહેશે બુલંદ પરચમે ઇસ્લામ બાખુદા
મજલિસ થશે હુસૈનની, માતમ થશે સદા
ગમ રહેશે તારો કાયમી અય શાહે કરબલા
આ કોમ પર તો ફાતેમા ઝહરાની છે દુઆ
જીવે છે જગમાં તારા અઝાદાર યા હુસૈન..11
ઝહરા અલી નબીનો તું જાની છે અય હુસૈન
તારી કોઈ મિસાલ, ન સાની છે અય હુસૈન
બાતિલની કોઈ વાત ન માની છે અય હુસૈન
કુરઆન તારા ઘરની કહાની છે અય હુસૈન
તું દીને મુસ્તફાનો છે મેયાર યા હુસૈન..12
કરબોબલા છે દીને મોહંમદનો ઇન્કેલાબ
કરબોબલાથી લે જે સબક થાય કામિયાબ
જન્નત જમીન પરની છે બેશક છે લાજવાબ
હર પળ ખુદાની રહમતો વરસે છે બેહિસાબ
દુનિયા છે તારી એટલે ઝવ્વાર યા હુસૈન..13
સીંચીને લોહી દીનનું ઘડતર કરી ગયો
જુલ્મો જફાના જોરમાં હક પર અડગ રહ્યો
રાહે ખુદામાં જિંદગી દીધી, ફિદા થયો
થઈને શહીદ વાયદો રબથી વફા
કર્યો
ઉન્નત છે એથી મસ્જિદો મીનાર યા હુસૈન...14
બાતિલ હો કામિયાબ ભલા એની શું મજાલ
બૈઅત અલીનો લાલ કરે ખોટો છે ખયાલ
રોશન એ કરશે હકને ને બાતિલનો છે ઝવાલ
કરબોબલામાં ઇબ્ને અલીનો છે આ કમાલ
નેઝે ચઢીને દીધો છે પડકાર યા હુસૈન..15
"ખાદિમ-કલીમ" પર હો કરમ ને અતા રહે,
પૈગામ તારો વિશ્વને પહોંચાડતા રહે,
ઝિક્રે હુસૈન, મજ્લિસો માતમ સદા રહે,
દિલમાં ગમે હુસૈન રહે, કરબલા રહે,
હર દમ હો તારા ઇશ્કનો ઇઝ્હાર યા હુસૈન..16
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો