body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

મંગળવાર, 28 નવેમ્બર, 2023

ફાતેમા

 

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

 

ઇસ્મતનું આજે ખોલું છું કુરઆન, ફાતેમા.

મહેફિલમાં આજે મારું છે ઉન્વાન, ફાતેમા. ૧

 

ઉમ્મત ઉપર છે આપના એહસાન, ફાતેમા.

ઇસ્લામ પર છે જિંદગી કુરબાન, ફાતેમા. ૨

 

ઝૂમે છે પોતે સૂરએ રહેમાન, ફાતેમા.

આવે છે જ્યારે લુઅલુઓ-મરજાન, ફાતેમા. ૩

 

જગ્યા કરે છે મરયમ-ઓ-હવ્વા-ઓ-આસિયા

મહેફિમાં લઈ રહ્યા છે હવે સ્થાન, ફાતેમા. ૪

 

વધતી ગઈ નસીબની રોનક ખુદા કસમ!

લબ પર જો આવ્યા આપના ગુણગાન, ફાતેમા. ૫

 

આ શાન પણ અમૂલ્ય છે શાનોમાં આપની,

સસરા છે આપના સખી ઇમરાન, ફાતેમા. ૬

 

હુજ્જત છો આપ, આપથી છૂપું નથી કશું,

જાણે છે "મા લા કાન, વ મા કાન", ફાતેમા. ૭

 

ઊભા કરી રસૂલને દર અસ્લ આપનું,

અલ્લાહ જાળવે છે અજબ માન, ફાતેમા. ૮

 

આપી તમારા શૌહરે દુનિયાને ત્રણ તલાક,

શૌહર તમારા દીનના સુલતાન, ફાતેમા. ૯

 

દીકરાઓ હક ઉપર રહ્યા, હક પર મરી મટ્યા,

હકને મળ્યું છે આપથી જીવ-દાન, ફાતેમા. ૧૦

 

બસ એ જ સર ઝુક્યું છે સુણી નામ આપનું,

રબથી મળ્યું છે જેને પરમજ્ઞાન, ફાતેમા. ૧૧

 

મુશ્કિલકુશાને કોઈ દિ મુશ્કિલ અગર પડી,

થઈ ગઈ તમારા નામથી આસાન, ફાતેમા. ૧૨

 

કુરઆનમાં કહે છે ખુદા ખાઈને કસમ,

શર્મો-હયાનું આપ છો કુરઆન, ફાતેમા. ૧૩

 

ક્યારેક રાઝિયા કહે, ક્યારેક મરઝિયા,

રાજી રહ્યો છે આપથી રહેમાન, ફાતેમા. ૧૪

 

ચહેરો નિહાળી આપનો પામે અલી સુકૂન

રબના વદનની આપ છો મુસ્કાન, ફાતેમા. ૧૫

 

શૌહર વલી, પિદર છે નબી ને પિસર ઇમામ,

ઘર આપનું છે બોલતું કુરઆન, ફાતેમા. ૧૬

 

મોટો શરફ છે આપનો, જન્નતના બે ધણી,

ઘરમાં ચઢ્યા છે આપના પરવાન, ફાતેમા. ૧૭

 

જન્નતની ઔરતોના છો સરદાર તે છતાં,

ફાકાકશીમાં આપનું ગુજરાન, ફાતેમા. ૧૮

 

હસનૈન માટે આપ જો બોલી દો તો તરત,

પોશાક લાવે ખુલ્દથી રિઝ્વાન, ફાતેમા. ૧૯

 

ઝિક્રે-અલી મીઠાશ છે ઈમાનની અને,

યાદ આપની છે કૌસરી મયપાન, ફાતેમા. ૨૦

 

સૂકી ધરાને લોહીથી લીલી કરી ગયા,

દીકરા તમારા ખુલ્દના રેહાન, ફાતેમા. ૨૧

 

ખુશીઓ ને કામયાબી અતા થાય પીરને,

છે આપના તે સૈયદી સંતાન, ફાતેમા. ૨૨

 

ચાદરમાં પાંચ તન જો મળે તો કહીને 'હુમ',

રબ પણ કરાવે આપથી પહેચાન, ફાતેમા. ૨૩

 

નબીઓ, ઇમામો, પીરો, કલંદર, મલાઇકા,

કોણે કર્યું ન આપનું સન્માન, ફાતેમા? ૨૪

 

નબીઓની પહોંચ પણ નથી જે આંગણા સુધી,

દાઢીથી ઝાડું મારે ત્યાં સલમાન, ફાતેમા. ૨૫

 

જન્નત બગીચો આપનો, અર્શ આપની ચટાઇ,

વિસ્તાર જગનો આપનું ચોગાન, ફાતેમા. ૨૬

 

હા આપના જ લોહીની તાસીર છે બધી,

સૂરજ-નજીક લાવી દે મુલતાન, ફાતેમા. ૨૭

 

બસ આપની રઝામાં વિતાવી છે જિંદગી,

એક આ જ આખેરતનો છે સામાન, ફાતેમા. ૨૮

 

મસ્તક ઝુકાવી આપના દર પર ખુશી ખુશી,

અસ્તિત્વ પામ્યા કેટલા વિદ્વાન, ફાતેમા. ૨૯

 

અલ્લાહ તેના દીનને ક્યાંથી કબૂલશે?

હકથી રહ્યો છે આપના અંજાન, ફાતેમા. ૩૦

 

હૈદરથી તન, રસૂલથી શિર, શોભ્યું આપનું,

ને શોભે લાડલાઓથી બે કાન, ફાતેમા. ૩૧

 

પામીને શહેરે ઇલ્મથી ઇલ્મે મોહંમદી,

આવ્યા છે હિંદ આપના સંતાન, ફાતેમા. ૩૨

 

વાતો સુણી જો આપની તો દિલ કહી ઉઠ્યું,

કુરઆન શું છે? આપનું દીવાન, ફાતેમા. ૩૩

 

ફિઝ્ઝાની પાસે માંગે છે જિબ્રીલ રોજ રોજ,

હાથોથી આપના જે બને નાન, ફાતેમા. ૩૪

 

થઈ પાણી પાણી જોઈને જન્નતની જાજમો,

માટી ઉપર બિછાવે છે કંતાન, ફાતેમા. ૩૫

 

વહેંચીને કાએનાતમાં રોઝી અલી વલી,

ઘરમાં કહે છે, પિરસી દો પક્વાન, ફાતેમા! ૩૬

 

આ કૌમ ખલ્ક થઈ છે દુઆઓથી આપની,

આવે બનીને કબ્રમાં યજ્માન, ફાતેમા. ૩૭

 

મજલિસ, જુલૂસમાં હું ગયો થઈને પુરસુકૂન,

રાખે છે મારા ઘરનું બધુ ધ્યાન, ફાતેમા. ૩૮

 

સૌથી વધુ શરીફ, તહારતમાં બેનમૂન,

પાકીઝગીનું આપ છો બુરહાન, ફાતેમા. ૩૯

 

હુરના કપાળે બાંધેલો રૂમાલ જોઈને,

નબીઓ, ફરિશ્તા થઈ ગયા હેરાન, ફાતેમા. ૪૦

 

આવો! અય મારા લાલના ગમખ્વારો ખુલ્દમાં,

મહેશરમાં કરશે જો જો આ એલાન, ફાતેમા. ૪૧

 

જન્નત ન પામે શહેનો અઝાદાર જ્યાં સુધી,

હા ત્યાં સુધી નહીં કરે પ્રસ્થાન, ફાતેમા. ૪૨

 

કાફી છે નામ આપનું મુશ્કિલને ટાળવા,

આવે ભલે ને નૂહનું તોફાન, ફાતેમા. ૪૩

 

આવી જવા દો આપના મહદીને, થઈ જશે!

ઊંચી તમારા રોઝાની કઈં શાન, ફાતેમા. ૪૪

 

સાલારે ફૌજે શાહ, મુહાફિઝ હિજાબનો,

એ બાવફા છે આપનું અરમાન, ફાતેમા! ૪૫

 

આવે જે દિલથી આપના દર પર, એ કમ સે કમ,

સલમાન થાય છે કા મુસલમાન, ફાતેમા. ૪૬

 

કંઈ પણ કરે ન આપથી બસ લૌ લગાવી લે,

થઈ જાય છે એ સાહિબે ઈમાન, ફાતેમા! ૪૭

 

સદકો છે આપનો આ, અમારું કશું નથી,

ઊગે છે ધરતી પર જે બધા ધાન, ફાતેમા. ૪૮

 

બસ સાંભળીને નામ તમારું થઈ ગયું!

બાતિલનો નાશ, કુફ્રનું અવસાન, ફાતેમા. ૪૯

 

ઓળખ તમારી પાક છે માણસની અક્લથી,

પહોંચે ન તમને કોઈ અનુમાન, ફાતેમા! ૫૦

 

એ સૂકી રોટી ખાઈને ખૈબર ઉઠાવી લે,

શૌહર તમારો કેટલો બળવાન, ફાતેમા. ૫૧

 

ફર્શે અઝામાં હાજરી મહેસૂસ થઈ ગઈ,

મહેકી રહ્યું છે ખુલ્દનું લોબાન, ફાતેમા. ૫૨

 

જેનાથી જાન આવી છે કુલ કાએનાતમાં,

એ ખત્મે મુર્સલીનની છે જાન, ફાતેમા! ૫૩

 

હુજ્જત કહે છે આપને ખુદ બારમાં ઇમામ,

જુઝ આપના આ કોનું છે બહુમાન, ફાતેમા. ૫૪

 

શીખે છે જોઈ આપને, જીવન એ જીવતા,

જીવનથી થઈ ગયો જે પરેશાન, ફાતેમા! ૫૫

 

મેઅરાજનું આ રાઝ ફકત આપને ખબર,

મહેમાન કોણ, કોણ છે યજમાન, ફાતેમા? ૫૬

 

ઝીનત તમારી બંદગી, તક્વાનો છે હિજાબ,

સબ્રો રઝા તમારા પરિધાન, ફાતેમા. ૫૭

 

છૂપા મલાઇકાથી છે ગુજભેદ આપના,

શું તમને ઓળખે પછી ઇન્સાન, ફાતેમા? ૫૮

 

ગૌરવ અનુભવે છે એ રબ થઈને આપનો,

અલ્લાહનું છે એક અભિમાન, ફાતેમા. ૫૯

 

સંતાન પાસે આપના આવીને કેટલાય,

સંતાન લઈ ગયા છે નિઃસંતાન, ફાતેમા. ૬૦

 

લઈ લઈને નામ આપના માથાના તાજનું,

ચાદરને લઈ ઉડે છે સુલયમાન, ફાતેમા. ૬૧

 

કહેશે દરેક, શહેનો અઝાદાર, હશ્રમાં,

મારા ઉપર છે મા થી મહેરબાન, ફાતેમા! ૬૨

 

જન્નતનો રશ્ક થઈ ગઈ જગ્યાઓ આપની

કરબલ, નજફ, બકૈયા, ખુરાસાન ફાતેમા! ૬૩

 

માસૂમિયતનો અર્ક મળે જેના ફૂલોથી,

છે એવો ઉચ્ચ આપનો ઉદ્યાન, ફાતેમા. ૬૪

 

સુલતાને અંબિયા અને સુલતાને ઔલિયા,

મિદ્હત કરે છે આપની સુબ્હાન, ફાતેમા. ૬૫

 

ખલ્વતમાં મારી નામ મેં લઈ લીધું આપનું,

મારાથી દૂર થઈ ગયો શયતાન, ફાતેમા. ૬૬

 

એ સૈયદોના કાતિલો જઈ જઈને ક્યાં જશે?

ધ્રુજાવશે જ્યાં હશ્રનું મેદાન ફાતેમા. ૬૭

 

કુર્બત મળે જો આપની, ઉત્તમ નફો ગણાય,

દૂરી તમારી, મોટું છે નુકસાન, ફાતેમા. ૬૮

 

ઉલ્ફતની સાથે આપની, જન્નત છે જિંદગી,

તો આપ વિણ છે જિંદગી ઝિંદાન, ફાતેમા. ૬૯

 

હસનૈન જન્નતોના છે સરદાર, તો અલી,

સઘળા મલાએકાના છે કપ્તાન, ફાતેમા. ૭૦

 

હા, છે જરૂર જગ મહીં સન્નારીઓ ઘણી,

છે કોણ આપના સમું કુળવાન, ફાતેમા. ૭૧

 

અમને તમારા દ્વારની રોટી જ આપજો,

જન્નતમાં હો ભલે ઘણા પક્વાન, ફાતેમાં. ૭૨

 

મહદીની સામે થઈ જશે લાચારો-બેઅસર,

કહેવાતું અદ્યતન ભલે વિજ્ઞાન, ફાતેમા. ૭૩

 

શોહરની આપના, જે વિલાયત નકારે છે,

ચોક્કસ થવાનું એમને નુકસાન, ફાતેમા. ૭૪

 

અમને ખબર નથી શું હકીકત છે આપની,

લખીએ શું? કેટલાં અમે નાદાન, ફાતેમા! ૭૫

 

શૌહરનું અડધું હોય છે ઈમાન પત્ની તો,

ઈમાને કુલનું અડધું છે ઈમાન, ફાતેમા. ૭૬

 

કોણે કહ્યું કે સ્ત્રીને વિલાયત નથી મળી,

ખાતૂન-ઔલિયાની છે સુલતાન, ફાતેમા. ૭૭

 

દર અસ્લ એ જ શખ્સને કહીએ અમે સભાન,

ભૂલ્યો તમારા ઇશ્કમાં જે ભાન, ફાતેમા. ૭૮

 

પીરે તરીકત એ જ, મુફસ્સિર પણ એ જ થાય,

મુસ્હફનું આપે જેમને ઇરફાન ફાતેમા. ૭૯

 

કુરઆનમાંથી ફકત મળ્યા તેને અહેલેબૈત,

જેને મળ્યું છે આપથી ફુરકાન, ફાતેમા. ૮૦

 

જિબ્રીલ છે ગુલામ તમારા અમીરનો,

રાહિલ તમારા ઘરનો છે દરબાન, ફાતેમા! ૮૧

 

પરવાનગી જો લે મલકુલ મોત આપની,

એ જાનદારને કરે બેજાન, ફાતેમા! ૮૨

 

દુનિયાની આઝમાઇશો અમને ડરાવે શું?

દુનિયામાં છે અમારા નિગેહબાન, ફાતેમા. ૮૩

 

વળગી રહો, એ પીરના માથે છે મારો હાથ.

મોમિન જમાતને કરે આહ્વાન, ફાતેમા. ૮૪

 

છો આપ અંધકારથી અજવાસની ડગર,

આપ જ તો હક તરફના છો સોપાન, ફાતેમા! ૮૫

 

જેમાં રસૂલ, ઇમામનું જીવન પસાર થાય

એ વર્ગનો છે આપનો દાલાન, ફાતેમા. ૮૬

 

છે કોણ જે ખુદાના ખજાનાની ભાળ લે?

છે કોણ આપના સમું ધનવાન, ફાતેમા? ૮૭

 

"ખાદિમ" "અલિફ" "અકીબ"ને લઈ જાઓ ખુલ્દમાં,

કરશે "અતા" "કલીમ"ને ફરમાન, ફાતેમા. ૮૮

 

"ખાદિમ" "અતા" "અકીબ" "અલિફ" ને "કલીમ"ને,

પાંચેયને હો આપનું ઇરફાન, ફાતેમા! ૮૯

 

"ખાદિમ", "અતા", "કલીમ", "અલિફ" ને "અકીબ" પણ,

થઈ જાય આપના દરે મહેમાન, ફાતેમા. ૯૦

 

શોઅરા : ખાદિમહુસૈન 'કલીમ' મોમિન

ખાદિમહુસૈન નાંદોલીયા 'ખાદિમ'

અતામોહંમદ મોમિન 'અતા'

અકબરહુસૈન મોમિન 'અલિફ'

અબ્બાસઅલી મોમિન 'અકીબ'