body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

મંગળવાર, 7 નવેમ્બર, 2023

ખિલ્કત કરી છે

 

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


હજારો દુરુદ એ નબી મુસ્તફા પર,

રબે જેની ખાતર આ ખિલ્કત કરી છે.

સવા લાખ નબીઓમાં સૌથી એ અફ્ઝલ,

 ને આલમમાં એનાથી રહમત કરી છે.

 

હિસાબો કયામતના દિવસે થશે પણ,

અમે બેવ દુનિયા સલામત કરી છે.

જીવન આખેરતની નથી કોઈ ચિંતા,

મોહંમદથી કાયમ મોહબ્બત કરી છે.

 

મિલાદી જ્યાં મહેફિલ સજાવીને બેઠા,

તો ખુદ પંજેતન પણ ત્યાં આવીને બેઠા,

મલાઇકને આવે જે મંઝરથી ઈર્ષા,

ધરા પર રહી એવી જન્નત કરી છે.

 

એ અખ્લાકમાં સૌથી આગળ ને ઉત્તમ,

રહે રંક રાજાથી સરખો અભિગમ,

હો મિત્રો કે દુશ્મન સદા આચરણથી,

હર એકના હૃદય પર હુકૂમત કરી છે.

 

રઝા રબની જેના જીવનમાં રહેલી,

ખુદાને અદા જેની હર એક ગમેલી,

રબે એના વર્તનથી રાજી થઈને,

બધી એની આદતને આયત કરી છે.

 

દુઃખીના બધા દર્દને દૂર કરતો,

બધા સાઇલોની એ ઝોળીને ભરતો,

જીવનભર કરી એણે ફાકાકશી પણ

સબીલે ખુદામાં સખાવત કરી છે.

 

નબી માટે ચાંદો ને સૂરજ બનાવ્યા

ગગન પાલવે કઈં સિતારા સજાવ્યા,

ફરજ ચાંદની છે કે થઈ જાય ટુકડા,

કહું શી રીતે કે કરામત કરી છે.

 

ખુદાના હુકમ પર હતી ઝુલઅશીરા,

છતાં પણ ના માન્યા હતા મુક બધીરા,

નહીં બક્ષે એને ખુદા જેમણે પણ,

એ દાવતમાં આવી અદાવત કરી છે.

 

કોઈ મારે મેહણા, કોઈ મારે પથ્થર,

કહે કોઈ ઉમ્મી, કહે કોઈ અબ્તર,

સહીને સિતમ સૌ હબીબે ખુદાએ,

સદા દીને હકની હિફાઝત કરી છે.

 

ગમે તેવા હો પણ છે મારા વિચારો

નથી ફિક્ર ચોરી, નથી કઈ ઉતારો,

અમે જાત મહેનત કરી, લોહી બાળી,

જીવનભર મોહંમદની મિદ્હત કરી છે.

 

બધા શબ્દ એના તરફથી મળે છે,

પ્રશંસાના દીવા પછી ઝળહળે છે,

રુહુલ કુદ્સની ગૈબી ઇમ્દાદ આવી,

"કલીમે" કલમ લઈ જો નિય્યત કરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો