بِسْمِ
اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
અલીની મરજી
હવા ચલાવે ગગન ઘુમાવે ધરા બનાવે,
અલીની મરજી.
ખુદાના કામો કરી ખુદાને તે સર ઝુકાવે,
અલીની મરજી. 1
હજારો વર્ષો પુરાણો કીનો, જમાઅતોના દિલો મહીંથી,
ઉખાડી ફેંકી, દિલોમાં ઉલ્ફતના બીજ વાવે, અલીની મરજી. 2
જમીન ઉપર, પહાડ ઉપર કે અર્શ ઉપર કે કુરસી ઉપર,
ગમે ત્યાં પોતાનું નામ ચાહે, લખે લખાવે, અલીની મરજી. 3
ધરાના પેટાળનો એ માલિક, ધરાની માટીનો બાપ છે એ,
વહાવી પરસેવો, કૂવા ખોદી જો પાણી લાવે, અલીની મરજી. 4
કર્યા છે ફાકા જીવનમાં એણે, ને ખાય છે જવની સૂકી રોટી,
પરંતું જેહાદમાં એ ખૈબરનો દર ઉઠાવે,
અલીની મરજી. 5
કશું ન બોલી શકાય એને, આ તારો કિબ્લો તો એનું ઘર છે!
એ બારણેથી પ્રવેશ લે કે, ખૂણેથી આવે, અલીની મરજી. 6
ખુદાને માનો, ન મોં બગાડો, અય બુતપરસ્તો! જો બાળ હૈદર,
ખુદાના ઘરનો બનીને માલિક, બુતો ભગાવે, અલીની મરજી. 7
ખુદાએ અર્પણ કરી છે ખુદની તમામ મરજી અલી વલીને,
તો હર જમાને ધરી નવું નામ પાછો આવે,
અલીની મરજી. 8
અય તુચ્છ દુનિયા! સવાલ ના કર અલીની ગોશાનશીની ઉપર,
ન કંઈ કરે, સબ્ર આચરે, આંસુઓ વહાવે, અલીની મરજી. 9
ખુદા વલી છે, નબી વલી છે, અલી વલી છે તો જેને ચાહે,
બનાવે પીરો, કલંદરી દે, વલી બનાવે, અલીની મરજી. 10
પઢો જો નાદે અલી તો પળમાં મદદના માટે જે દોડી આવે,
કરે એ મુશ્કિલને દૂર તો પણ નજર ન આવે,
અલીની મરજી. 11
કદી એ મૂસાને આપે હિંમત, બનાવે ઈસાને એ રુહુલ્લાહ,
એ નૂહની નાવને, બની નાખુદા ચલાવે, અલીની મરજી. 12
મરેલો કોઈ પડ્યો જો હો તો, જો મારે ઠોકર તો થાય જીવતો,
નમાઝે મૈયત પઢી, ગમે તેની મોત લાવે, અલીની મરજી. 13
બધા રહસ્યો અલીના સીનામાં કિબ્રિયાએ છુપાવેલા છે,
પરંતુ તમને બધું જણાવે કે ના જણાવે,
અલીની મરજી. 14
એ આંખ ફિત્નાની ફોડી નાખે ને કુફ્રનો ખાતમો કરી દે,
વળી તે સિત્તેર નસ્લો જોઈને તેગ ઉઠાવે,
અલીની મરજી! 15
આ ભાઈ ભાઈની વાત છે ભઈ! નબીના કંધા છે ખુલ્લે ખુલ્લા,
હવે એ પોતે ચઢે કે દીકરાને ત્યાં ચઢાવે,
અલીની મરજી. 16
આ રાત એની, આ દિન પણ એનો, આ આભલું, આ ધરા પણ એની,
જો ઝગમગાવે, જો ડગમગાવે, જો થરથરાવે, અલીની મરજી! 17
ખુદાએ ચાહતમાં એની સર્જ્યા તમામ સર્જન તો શું નવાઈ?
ઇશારે એના ઢળેલો સૂરજ જો પાછો આવે અલીની મરજી. 18
ભલે ને માથામાં ઝર્બ વાગી, સદાથી અપનાવી નેકુકારી,
દઈને શરબત જો દુશ્મનોની તરસ બુઝાવે,
અલીની મરજી. 19
અલીને કોઈ ખુદા કહે તો, તમારે કંઈ બોલવું નહીં ભઈ!
કબરમાં એને અલી બચાવે કે ના બચાવે,
અલીની મરજી! 20
અલીએ મરજી-એ-રબ ખરીદી ખુદાએ નફ્સે અલી ખરીદ્યો,
અલી ચલાવે ખુદાની મરજી ખુદા ચલાવે અલીની મરજી. 21
અલીથી જે પણ કરે મોહબ્બત, ખુદા હો રાજી નબી ય રાજી,
મળે છે 'મિન્ના'નો તાજ એને કે જેને ફાવે અલીની મરજી. 22
અલી છે નફ્સે ખુદા-ઓ-અહમદ છે તેમાં મેઅરાજના રહસ્યો,
અલીની ઇચ્છા! છુપાવી રાખે, ને જો બતાવે, અલીની મરજી. 23
શરત છે ઝહરાના લાડલાની મુસીબતો પર વહાવે આંસુ,
નજીક છે એને ઉચ્ચ આલા શરફ અપાવે અલીની મરજી. 24
અગન, હવા, માટી, પાણી સઘળું અલીના તાબે કર્યું ખુદાએ,
તો આંધી લાવે, સુનામી લાવે, ભૂકંપ લાવે, અલીની મરજી. 25
જમીન, દરિયા, પહાડ, જંગલ, ને અર્શ પર રોજી વહેંચી આવે,
ને ઘેર ફિઝ્ઝાના હાથે રોટી પકાવડાવે,
અલીની મરજી. 26
જો એક બાજુ એ ઝૂલે જઈને, હસાવે છે નાના બાળકોને,
તો બીજી બાજુ જનાઝે મોમિનને પણ હસાવે,
અલીની મરજી. 27
મજા છે શેમાં ખબર છે તમને? અલીની યાદોમાં મ્હાલવાનું,
વિલાના આલમ મહીં ફરું છું કે જ્યાં ફરાવે,
અલીની મરજી. 28
મલકના ઉસ્તાદ જિબ્રઈલે કહ્યું છે ઉસ્તાદ અલી અમારા,
ખુદાના હર એક ફરિશ્તા ઉપર હુકમ ચલાવે,
અલીની મરજી. 29
અલીની ઓલાદ છે આ રેહબર બનીને સાકી મોહબ્બતોથી,
વિલાએ હૈદરના જામ મોમિનને પીવડાવે,
અલીની મરજી.30
કદીક મડદાને લાત મારી, ઉભો કરી દે છે ઊંઘમાંથી,
કદી નયનમાં લુઆબે અહમદ લગાવડાવે,
અલીની મરજી! 31
ભલે ને ફાકા કરીને ફાટેલા કુર્તા પહેરી જીવન વિતાવે,
જો કપડાં હસનૈનના એ જન્નતમાં સીવડાવે,
અલીની મરજી.32
જે શાફઈ પંથના છે રેહબર, તેઓ ઇશારામાં શું કહે છે?
અલી સમજમાં દરેકને આવે કે ન આવે,
અલીની મરજી. 33
જમીન, આકાશ, અર્શ, કુરસી વિશે બધું એને પૂછે લોકો,
રહી ધરા પર, ગગનના રસ્તા જો એ બતાવે, અલીની મરજી! 34
આ જિંદગીમાં મીઠાશ છે તો બસ એમની પાક બંદગીથી
આ દિલ અમારા "અલી-અલી"માં પળો વિતાવે,
અલીની મરજી! 35
ખુદાના બાજુ, ખુદાનો ચહેરો, ખુદાના કાનો અલી વલી છે,
હવે, ખુદાને પુકાર કિન્તુ અલી જ આવે,
અલીની મરજી. 36
અલી વલીની વિલા સ્વીકારી નબી થયા છે બધા જ નબીઓ,
હવામાં ચાલે, શિફા અપાવે, અસા ચલાવે, અલીની મરજી. 37
છે એના કબ્જામાં જિંદગી તો, એ ચાહે એનામાં રૂહ ફૂંકે,
ને ચાહે એવી શિકમની અંદર શકલ સજાવે,
અલીની મરજી. 38
છે મોત એની જ માલિકીમાં, બધાની ગરદનમાં હાથ એનો,
એ એની મરજીથી ચાહે એનું ગળું દબાવે,
અલીની મરજી. 39
અલીના શરણે છે ખૌફ-હિંમત, જરાક સાવધ તું રહેજે શયતાન!
એ ચાહે હિંમત ઝુટાવે મારી, તને ડરાવે, અલીની મરજી. 40
કશું ન માંગ્યું જીવનમાં એણે, ફકત ખુદાને કર્યું છે અર્પણ,
જો ગાઝી માટે નમાઝે શબમાં એ હાથ ઉઠાવે,
અલીની મરજી. 41
જો હોય ઇન્સાન કે ફરિશ્તા, હો કોઈ જિન્નાત, જાનવર હો,
છે એના હાથોમાં કુલ ખુદાઈ, હુકમ ચલાવે, અલીની મરજી. 42
તમારી ક્ષમતાઓ જોઈ તમને જવાબ દેશે અય પૂછનારા!
તે ચાહે લંબાણમાં બતાવે કે ઝટ પતાવે,
અલીની મરજી. 43
એ ડરથી કૂદી પડ્યા છે કંબર, અલી તો માલિક છે મારા જીવનો,
જો ચાહે મૌલા તો ઊંટ ભેગો મનેય લૂંટાવે,
અલીની મરજી. 44
આ ફર્શ ફર્શે અઝા છે લોકો! અહીં અલીને મળે છે પુરસો,
તો જ્યારે ચાહે, ને જેના ઘરમાં બિછાવડાવે, અલીની મરજી. 45
છે એના હાથોમાં સઘળી કુદરત, ખુદાઈ રબની ચલાવનારો,
કદી જો ચાહે, દુકાન મીસમની એ ચલાવે, અલીની મરજી. 46
અમૂલ્ય સોદો કર્યો ખુદાથી, અલીએ હિજરતની રાતે સુઈને,
અલીને ભાવે ખુદાની મરજી, ખુદાને ભાવે, અલીની મરજી. 47
નબીને સલમાન પૂછતા'તા, જણાવો મેઅરાજના રહસ્યો,
કહ્યું નબીએ અલીને પૂછો, અલી જણાવે, અલીની મરજી. 48
વિલાનો પીધો છે જામ એવો, નથી કોઈ મુજને મારી પરવા,
ભલેને મારી જબાન કાપી શૂળી ચઢાવે,
અલીની મરજી. 49
તમારી વાતો કરે છે ઝાકિર ને કામે લાગી ગયા ફરિશ્તા,
હવે ઇબાદત કરે કે જન્નતમાં ઘર બનાવે,
અલીની મરજી. 50
અલીના દર પર કપાળ મૂકી, વિલીન થાવાની વાર છે બસ,
પછી એ બિંદુમાં આખા દરિયાની હદ સમાવે,
અલીની મરજી. 51
કદી ચલાવે હસનનું લંગર, કદી એ ન્યાઝે હુસૈન વ્હેંચે
બધા ખજાનાઓ એમના છે, એ જ્યાં લૂંટાવે, અલીની મરજી. 52
અલીએ પોતાનું ઇસ્મે આઝમ જરૂર શીખવ્યું હશે તો પળમાં,
કે તખ્તે બિલકિસ લઈને આસિફ બરખિયા આવે અલીની મરજી. 53
જમીન પર છે હુકૂમત એની ને આસમાનો પણ એની મિલ્કત,
ઉતારે પાણી, જમીન ચીરે ને ધાન ઉગાવે અલીની મરજી. 54
તમન્ના પાંચેની પૂરી કરજે, છે પાંચ તનના આ માનનારા,
કે લશ્કરે મહદીમાં અમારા ય નામ આવે,
અલીની મરજી. 55
"કલીમ", "ખાદિમ", "અલિફ", "અતા", ને વળી "અકીબ" આ બધો કરમ છે
કહો મળીને મળી છે અમને અમૂલ્ય ભાવે,
અલીની મરજી. 56
"અલિફ"ને જે કંઈ "અતા" થયું છે,
"અકીબ" સાથે મળીને
"ખાદિમ"
"કલીમ"ને શબ્દ આપી સુંદર સના લખાવે,
અલીની મરજી. 57
"કલીમ", "ખાદિમ", "અકીબ", "અલિફ" પર, આ શાયરી છે "અતા" અલીની
કરી દે ઇલ્હામ, સ્વપ્ને આવે, કે ખુદ લખાવે, અલીની મરજી! 58
"કલીમ", "ખાદિમ", "અલિફ", "અકીબ" આ ખુદાએ જે કંઈ "અતા" કર્યું છે
હવે તમોને જનાબે ઝહરાની દાદ આવે,
અલીની મરજી. 59
શોઅરા : ખાદિમહુસૈન 'કલીમ' મોમિન
ખાદિમહુસૈન નાંદોલીયા 'ખાદિમ'
અતામોહંમદ મોમિન 'અતા'
અકબરહુસૈન મોમિન 'અલિફ'
અબ્બાસઅલી મોમિન 'અકીબ'
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો