body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

શુક્રવાર, 2 ઑગસ્ટ, 2024

મઝ્લૂમ કરબલાના ગરીબુલ વતન હુસૈન

 

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

મઝ્લૂમ કરબલાના ગરીબુલ વતન હુસૈન

સર દઈને રાહે હકમાં નિભાવ્યું વચન હુસૈન

 

નાનાની-માની કબ્રને કીધું તેં અલવિદા

મક્કામાં તું પધાર્યો છતાં હજ ન થઈ અદા

ઘરબાર લઈને આવી ગયો અર્ઝે કરબલા

ઇસ્લામ માટે છોડયું તેં વ્હાલું વતન હુસૈન 

 

રાહત ન કોઈ પામી શક્યા જે અહીં વસ્યા

આવ્યા જો પાક નબીઓ તો સદમા સહન કર્યા

દીને રસૂલ માટે વસાવી તેં કરબલા 

વેરાન રણ બનાવી ગયો તું ચમન હુસૈન

 

નાના છે તારા અહમદે મુખ્તાર મરહબા

બાબા છે તારા હૈદરે કર્રાર લફતા

 ભાઈ હસન છે તારો ને મા તારી સૈયદા  

તારા થકી જ પૂર્ણ થયા પંજેતન હુસૈન

 

અક્બરની નૌજવાનીને હક પર ફિદા કરી

હક પર તેં વારી અસ્ગરો કાસિમની ઝિંદગી,

આપી તેં લોહી રેડીને કલમામાં રોશની

ઇસ્લામનું કર્યું તેં અનોખું જતન હુસૈન.

 

પરચમ યઝીદ હકનો ઝુકાવી શક્યો નહીં

હસ્તી એ તારી સ્હેજ મિટાવી શક્યો નહીં

હકના ચિરાગ જગથી બુઝાવી શક્યો નહીં

થઈને તેં ઢાલ કુફ્રનો રોક્યો પવન હુસૈન

 

રબના રસૂલ પ્યારથી કાંધે ઉઠાવતા

આવી મલાએકા તને ઝૂલો ઝુલાવતા

જિબ્રીલ તારો જન્નતી પોશાક લાવતા

અફ્સોસ તારી લાશ રહી બેકફન હુસૈન.

 

વલ્લાહ આજ ખાના-એ-કાબા ઉદાસ છે,

ગમગીન કરબલા છે, મદીના ઉદાસ છે,

જિન્નો મલક ઉદાસ છે, દુનિયા ઉદાસ છે

ગમમાં રડે છે તારા આ ધરતી ગગન હુસૈન

અબ્દુલ્લા, વહબે કલ્બી, મઝાહિરના નૂરે ઐન

અબ્બાસ, હુર, ઝહીર ને મુસ્લિમના દિલનાં ચૈન

જાફર ને જ્હોન ઔનો મોહંમદ ઝુહૈર કૈન

હક પર ફિદા કર્યાં તેં અમોલા રતન હુસૈન

 

હુર પર હુસૈન તારી અનોખી અતા રહી

આવ્યો જો તારી પાસ ના કોઈ ખતા રહી

ઝહરાની એના મસ્તકે મોંધી મતા રહી

કુરબાન તારી રાહમાં કીધું જીવન હુસૈન

 

સજદામાં સર કપાવીને શુક્રે ખુદા કરે

ઘરબાર તું લૂંટાવીને શુક્રે ખુદા કરે

સઘળા સિતમ ઉઠાવીને શુક્રે ખુદા કરે

ઝુલ્મો સિતમનાં દરિયામાં તશ્ના દહન હુસૈન

 

હૂરો મલક ફરિશ્તાઓ જિન્નોની કુલ્લિયાત

સાત આસમાન ધરતી બગીચા લબે ફુરાત

લબ્બૈક યા હુસૈન! પુકારી'તી કાએનાત

હલમિનનું તારું સાંભળ્યું જ્યારે કથન હુસૈન

 

રબની સદા છે તારી શહાદતને હો સલામ

હકના ઇમામ તારી ઇમામતને હો સલામ

તારી સબરને પ્યાસને હિંમતને હો સલામ

ઝુલ્મો સિતમ હજારો કર્યા તેં સહન હુસૈન

 

'ખાદિમ-કલીમ' નોકરી શબ્બીરની રહે

આંખોથી આંસુઓની સદા અલ્કમા વહે

કાયમ એ તારા નૌહા પઢે, મરસિયા કહે

રોશન રહે અમારી સદા અંજુમન હુસૈન

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો