આજ કયામત બરપા થાશે બોલ્યા
શહે અબરાર કે રણમાં હૈદરનો અબ્બાસ લઢે છે,
તેગો તબર તલવાર ને ખંજર સઘળું
છે બેકાર કે રણમાં હૈદરનો અબ્બાસ લઢે છે.
દુશ્મનના દળ દોટ મૂકે છે, દોટ મૂકે તો હાંફ ચઢે છે, હાંફ ચઢે તો ભોંય પડે છે,
લશ્કર પાછળ શેર પડ્યો છે, લશ્કર છે લાચાર કે રણમાં હૈદરનો અબ્બાસ લઢે છે
બૂમો પાડી સાદ બોલાવે, રયના મુલકની યાદ અપાવે, તોયે ન કોઈ પાછું આવે
જીવ બચાવી લશ્કર ભાગે, એક કરી પોકાર કે રણમાં હૈદરનો અબ્બાસ લઢે છે
કામ ન આવે ઢાલ કોઈની, કામ ન આવે ચાલ કોઈની, હાલત છે બેહાલ
કોઈની,
ભૂલી ગ્યા છે હર એક આજે
દિરહમ ને દીનાર કે રણમાં હૈદરનો અબ્બાસ લઢે છે.
મર્દ બહાદુર વીર સિપાહી, હર કોઈ કરતું આના કાની, યાદ આવી ગ્યા
નાના-નાની,
કોઈ ભલા શું સામે આવે
હાથમાં લઇ તલવાર કે રણમાં હૈદરનો અબ્બાસ લઢે છે.
કોઈ નદીમાં જઈ ડૂબે છે, મરવાનો કોઈ ઢોંગ કરે છે, મડદા પાછળ જઈ છૂપે છે,
રણ જો નહીં છોડે તો હર એક
થઈ જાશે ફિન્નાર કે રણમાં હૈદરનો અબ્બાસ લઢે છે.
જલ્દી જલ્દી રણને છોડો, હર કોઈ બોલે દોડો દોડો, કોઈ પડે ના જોજો
મોડો,
ઘર બાજુ સૌ દોટ મૂકો ને
ભાગો બારોબાર કે રણમાં હૈદરનો અબ્બાસ લઢે છે.
લઢવામાં છે ઢંગ અલીનો, ચહેરા પર છે રંગ અલીનો, યાદ આવે છે જંગ
અલીનો,
આજે સૌ બેકાર થયા છે
લશ્કરનાં હથિયાર કે રણમાં હૈદરનો અબ્બાસ લઢે છે.
કોની હિંમત આંખ મિલાવે, કોની હિંમત તેગ ઉઠાવે, કોની હિંમત સામે
આવે,
હૈબતથી અબ્બાસની છે સૌ
આંખોમાં અંધાર કે રણમાં હૈદરનો અબ્બાસ લઢે છે.
કોઈ કહે છે જાગો ભાગો, જીવ બચાવા લાગો ભાગો,ભેગા થઈને ભાગો
ભાગો,
શ્વાસ કોઈના બંધ થયા કોઈ
ચુકી ગયો ધબકાર કે રણમાં હૈદરનો અબ્બાસ લઢે છે.
કોઈ કહે છે અહીથી ઘેરો, કોઈ લગાવો અહિયાં પહેરો, સદમો છે હર
કોઈને ગેહરો,
કોઈ કહે છે છોડ બધુ ખોટા
ગપ્પા ન માર, કે રણમાં હૈદરનો અબ્બાસ લઢે છે.
અહિયાં લઢવું લાગે ભારે, સાદ ત્યાં બેઠો ઓર્ડર મારે, આપણું જીવન
કોના સહારે ?
હાય રે આવી મોત, રહ્યો ના કોઈ હવે આધાર કે રણમાં હૈદરનો અબ્બાસ લઢે છે.
સૌથી બદતર હાલ થવાના, જીવતા પણ જો થઈશું રવાના, સઘળા દોઝખપુર જવાના
કરશો ના લલકાર ના કોઈ ફેંકો રે પડકાર કે રણમાં હૈદરનો અબ્બાસ લઢે છે.
કહેવાતા સૌ નર ધ્રુજે છે, લાખોનું લશ્કર ધ્રુજે છે, ખયમામાં અફ્સર ધ્રુજે છે,
દજલા ઉપર નજરે પડે છે
લાશોના અંબાર કે રણમાં હૈદરનો અબ્બાસ લઢે છે.
શીમ્ર ઉમર બિન સાદ ડરે છે, મહેલમાં ઇબ્ને ઝ્યાદ મરે છે, સૌ કોઈ
ફરિયાદ કરે છે
કરબોબલાથી શામ ને કૂફા લગ
છે હાહાકાર કે રણમાં હૈદરનો અબ્બાસ લઢે છે.
આ બાજુ સર વિસ પડ્યા છે, અહીંયા ધડ પચ્ચીસ પડયા છે, પાછળ તો ચાલીસ પડ્યા છે,
આજ મલેકુલ મોતના માથે
કામનો બમણો ભાર કે રણમાં હૈદરનો અબ્બાસ લઢે છે.
તેગો ભાલા ખંજર ચૂપ છે, નેજા તીરો બખ્તર ચૂપ છે, શામના સઘળા બંદર ચૂપ છે
આંખ ફૂટી ગઈ, જીભ જતી રહી, કોણ કરે ઉદગાર કે રણમાં હૈદરનો અબ્બાસ લઢે છે
જે પણ ભાગ્યો જીવ બચાવી, એને કોઈ દિ ઊંઘ ન આવી, ખ્વાબમાં પણ બરછી
ન ઉઠાવી
આંખો સામે દ્રશ્યો ફરે છે, એક જ વારંવાર કે રણમાં હૈદરનો અબ્બાસ લઢે છે.
આ તો કરમ કીધો છે કરીમે, શબ્દ કહે છે ધીમે ધીમે, જંગ લખી અદભૂત "કલીમે"
શેરે ખુદાના સદકે મારા
બોલે છે અશઆર કે રણમાં હૈદરનો અબ્બાસ લઢે છે