بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
અઝાદારની અરજ
સૌ મોમિનો હુસૈની, ફર્શે અઝા બિછાવે,
સૌની દુઆ છે મૌલા
તું બર મુરાદ લાવે.
મૌસમ મોહર્રમી
છે મૌસમ અઝાની આવી,
ચારે તરફ વબા છે, છે મૌત ને તબાહી.
શેહના ગુલામને
ના ચિંતા કે ગમ સતાવે..૧
ધડકન કરાર પામે
ને દિલનું ચૈન બોલે,
સરવરના અઝાખાને
સૌ યા હુસૈન બોલે.
ગાજી કરમ તું કર
કે તારો અલમ ઉઠાવે..૨
દુનિયામાં આજ ફેલી
બીમારીઓ બલા છે,
શબ્બીર તારો ગમ
તો હર દર્દની દવા છે.
માં ફાતેમાના સદકે
માતમ હર એક મનાવે..૩
યા રબ તને દુઆ
છે અસગરના વાસ્તાથી,
મહેફુઝ બાળકો હો
મુશ્કિલથી હર બલાથી.
હસતા રહે એ ફૂલો, ક્યારેય ખીઝાં ન આવે..૪
જન્નતની વાનગીઓ
એની જગાએ છે પણ
એણે નથી કર્યું
કઈ મોમિનના દિલનું પોષણ
શબ્બીરની તબર્રુક
દિલને અમારા ભાવે..૫
રાહિબ હો હુર કે
ફિતરુસ મોમિન હો કે ગુનેગાર
નબીઓ હો કે મલક
હો,
છે સૌની એક ગુફ્તાર
તારી જ વહેંચણીમાં
અમને હુસૈન ફાવે..૬
રાખી છે તેં શિફાને
બીમારી કરતા આગળ
બીવડાવી શું શકે
છે મુશ્કિલનું વધતું વાવળ
અલ્લાહ તારી રહમત
અમને સદા બચાવે..૭
તેં લોહના લખાણો
તારી રીતે લખાવ્યા
તેં સાત સાત ઝૂલા
રાહિબને ત્યાં ઝૂલાવ્યા
હર લાવલદની આશા, ઓલાદ તું અપાવે..૮
ઝયનબનો વાસ્તો
છે સર પર સદા હો ચાદર
બહેનોથી ના કદી
પણ અડગા રહે બિરાદર
ભાઈ બને જો દુલ્હો
સહેરો બહેન સજાવે..૯
અબ્બાસનો કરમ હો
છત પર અલમ સજાવે,
મજલીસ બપા હો ઘરમાં
સૌ પંજેતનને પામે
હાજત હો પુરી સૌની
ઈમાન રંગ લાવે..૧૦
મજલૂમ માતમીનો
શબ્બીર તું સહારો
તુફાનમાં છે નૌકા
મળતો નથી કિનારો
મઝધારમાં છે નૌકા
બસ પાર તું લગાવે..૧૧
હર એક દર્દ ગમની
સૌને દવા મળે છે.
અબ્બાસના અલમની
જ્યારે હવા મળે છે.
પરચમના તારા સાયે
સૌ જિંદગી વિતાવે..૧૨
અકબરની રાહ જોતા
થાકી ગઈ છે સુઘરા
હર રોજ યાદ કરતી, રડતી રહી છે સુઘરા.
શું થઈ ગયું કે
ભાઈ લેવા ન કેમ આવે ?..૧૩
માસૂમ શાહજાદી
એ લાડલી સકીના,
જાલિમની કેદમાંથી
જેને રજા મળી ના.
છે એનો વાસ્તો
કે હર કૈદીને છુડાવે..૧૪
ઝહરાની આંખ સામે
શબ્બીર સર કપાવે,
મમતા રડે આ જોઈ
લોહીના આંસુ સારે
અલ્લાહ કોઈને ના
આવા દિવસ બતાવે..૧૫
હૂરના નસીબ જેવું
અમને નસીબ દે જે,
ને જૉન જેમ અમને મૌલા ઉગારી
લે જે.
મહેશરમાં તું શફી
થઈ અમને નજાત અપાવે..૧૬
જીવનના કોઈ રસ્તે
મુશ્કિલ પડે જો મૌલા,
તારી એ દોસ્તીનો
છે વાસ્તો અય આકા,
તારા હબીબ જેવી
સૌ દોસ્તી નિભાવે..૧૭
અકબરની નૌજવાની
જો દીનને મળી ગઈ,
દીને ખુદાને કાયમ
મહેશર સુધી કરી ગઈ.
હર નૌજવાં શહાદત
એની નહીં ભુલાવે..૧૮
મૌલા તમારા નૌકરની
એક છે તમન્ના
તારા મઝારે આખર
હો શ્વાસ જિંદગીના
"જાફર કલીમ"ને પણ તું કરબલા બોલાવે..૧૯
ખાદિમહુસૈન
“કલીમ” મોમિન- વલેટવા