body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

મંગળવાર, 15 ઑગસ્ટ, 2023

શમ્મે હિદાયત હુસૈન છે

 

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

 

કશ્તીએ નિજાત છે હુસૈન, શમ્મે હિદાયત હુસૈન છે.

કરબોબલા હકની રોશની, હકની હકીકત હુસૈન છે.

 

વતનથી નીકળ્યો તું ઇસ્લામ રક્ષવા માટે.

નબીના દીનની ઉમ્મત સુધારવા માટે,

વચન જે લીધું હતું એ નિભાવવા માટે.

ને નાવ દીને મોહંમદની તારવા માટે,

દીને મુસ્તફા બચાવવા, તારી કયાદત હુસૈન છે

 

નબીનો લઈને પરિવાર, દોસ્તો શબ્બીર

પધાર્યો કરબોબલા લઈને કાફલો શબ્બીર

તેં એક રણને બગીચામાં ફેરવ્યો શબ્બીર

તેં કરબલાને બનાવ્યો છે મોઅજિઝો શબ્બીર

તારો આ કમાલ બા-ખુદા, તારી કરામત હુસૈન છે

 

શુજાઅતોથી ભરેલી કથા છે કરબોબલા

કે દર્દ, પ્યાસ, વ્યથા, વેદના છે કરબોબલા

દુઃખી, ગરીબના દિલની સદા છે કરબોબલા

હર એક મરીઝના માટે શિફા છે કરબોબલા..

તારા ખૂનની છે આ અસર, તારી ઇનાયત હુસૈન છે...

 

ન કીધી ઝુલ્મની બૈયત કપાવ્યું સર હક પર,

સહન કર્યાં તેં સિતમ ને લૂંટાવ્યું ઘર હક પર,

ફિદા કર્યું તેં બધું રાખી ના કસર હક પર,

કરી ન પરવા કશી રાખી બસ નઝર હક પર,

હક અમર છે તારા ફૈઝથી, તારી સખાવત હુસૈન છે.

 

હર એક નબીઓની મહેનત બચાવી ઝિંદાબાદ

અલી વલીની વિલાયત બચાવી ઝિંદાબાદ

નબીનો દીન, શરીઅત બચાવી ઝિંદાબાદ,

તેં હક બચાવ્યું, તરીકત બચાવી ઝિંદાબાદ

હકનો પેશવા છે તું હુસૈન, તારી ઇમામત હુસૈન છે.

 

સદાથી ઊંચો છે રહેશે હુસૈનનો પરચમ,

ન બાકી રહશે કોઈ ગમ, સિવાય તારો ગમ,

હંમેશા ઝિક્ર થશે તારો ને થશે માતમ,

હર એક દિલમાં સદા રહેશે કરબલા કાયમ.

દીન તારા ઘરની દેન છે, તારી અમાનત હુસૈન છે.

 

હયાત  શું છે  બતાવ્યું તેં મોતને મારી,

સબરની જીત થઈ, ઝુલ્મ રહી ગયું હારી,

નમાઝે દીધી સદા ને અઝાન પોકારી,

અલીના લાલ શહાદત અજોડ છે તારી,

સબ્ર થરથરીને કહી ઉઠી, વાહ શું હિંમત હુસૈન છે.

 

બસ એક નામ અમર તારું નામદાર હુસૈન,

શહીદ તારી શહાદત છે શાનદાર હુસૈન,

ઇલાહી ફોજના સાલાર તાજદાર હુસૈન

છે તારા ગમમાં આ સંસાર શોગવાર હુસૈન,

હર દિલોમાં તારી વેદના, તુજથી અકીદત હુસૈન છે.

 

રહે જે હકનો તરફદાર એ હુસૈની છે,

કરે જે હકથી સદા પ્યાર એ હુસૈની છે,

કરે જે સબ્રનો શણગાર એ હુસૈની છે,

કરે ન ઝુલ્મ જે તલભાર એ હુસૈની છે,

ઇશ્ક થઈ વહે છે હર દિલે, તારી આ ફિતરત હુસૈન છે.

 

ખરેજ જો કોઈ ઇન્સાન થઈ વિચાર કરે.

કે એક વ્યક્તિને ઘેરીને અત્યાચાર કરે,

મળીને ચારો તરફથી સિતમના વાર કરે.

હુસૈન શુક્રના સજદા છતાં હજાર કરે.

તું જ અહિંસાનો છે વલી, તારી હિદાયત હુસૈન છે.

 

અલીનો લાલ સિતમથી કદી નહીં ડરશે,

જીવ્યો છે સત્યના માટે ને સત્ય પર મરશે,

ન હાથ આપશે બાતિલને એનું સર ધરશે,

વચન જે નાનાને આપ્યું હતું પૂરું કરશે,

લાખ ઝુલ્મ હો અડગ રહે, સબ્રનો પર્વત હુસૈન છે...

 

અઝલથી ઇબ્ને અલી હકનું રાજ રાખે છે

બનીને આવે કોઈ હુર તો લાજ રાખે છે

હર એક દર્દનો સરવર ઇલાજ રાખે છે

વહાલ એનાથી હર એક સમાજ રાખે છે.

હર હૃદયમાં ઘર કરી ગયો, કેટલો ઉન્નત હુસૈન છે.

 

સિતમ ને જોરો જફાની હવા છે દુનિયામાં

દિલોમાં પ્રેમ નથી, ક્રૂરતા છે દુનિયામાં,

દયા નથી, ન હયા છે, બલા છે દુનિયામાં

ઈમાન સામે નવી કરબલા છે દુનિયામાં,

ઝુલ્મ છે જગતમાં ચો તરફ, તારી ઝરૂરત હુસૈન છે.

 

"કલીમ" હઝરતે શબ્બીરનો સનાગર છે,

પઢે છે નૌહા જે "ખાદિમ" એ તારો નૌકર છે,

ભરોસો તુજથી છે તું તો દયાનો સાગર છે,

તું ઇબ્ને સાકીએ કૌસર છે, ઇબ્ને હૈદર છે,

હશ્રનો શું ડર ભલા કે ત્યાં, તારી અદાલત હુસૈન


શનિવાર, 12 ઑગસ્ટ, 2023

નૈ ચાલે

 

 

 

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

જાહેર થશે જ્યારે મહદી, દુનિયાના તમાશા નૈ ચાલે,

એક ગુંજ થશે જાઅલ હકની, બાતિલના અખાડા નૈ ચાલે.

 

દુનિયાની તલબમાં ખેડેલા, બૌ દૂર એ રસ્તા નૈ ચાલે

હૈદરની વિલાયતથી ખાલી તુજ રાત-દહાડા નૈ ચાલે

 

સૂરજની જેમ વિખેરે છે, દિલ દિલ પર કિરણો વહદતની

એ જોવું કામ બસીરતનું, ત્યાં આંખના ડોળા નૈ ચાલે

 

જાફરનો શજરો લઈ જાશે મહદીના પરચમના છાંએ,

કોઈ દોરા ધાગા નૈ ચાલે, કોઈ ઢોંગી બાવા નૈ ચાલે.

 

તલવાર એ નુરી ઉઠશે તો,બેકાર થશે વિજ્ઞાન બધા,

રોકેટ,મિસાઈલ પરમાણુના બૉમ્બ ધડાકા નૈ ચાલે.

 

કાબાની છત પર કેવળ એક પરચમ તૌહીદનો લેહરાશે,

જેહાદના નામે પાખંડી ને જૂઠના ઝંડા નૈ ચાલે.

 

કુરઆન અહાદીસના રસ્તે હર ફેંસલા હક થાશે બેશક,

તકલાદી તરીકા નૈ ચાલે, ફિરઓનના ફતવા નૈ ચાલે.

 

અલ્લાહે નબુવ્વતથી આગળ રાખી છે ઇમામતને કાયમ

ઝહરાના દુલારાથી આગળ, મરયમના બેટા નૈ ચાલે

 

બેસીને સલૂની મિમ્બર પર, ભરશે એ અલવી અદાલતને,

લાંબી લાંબી મુદત વાળા, દુનિયાના ચુકાદા નૈ ચાલે

 

અપનાવશે એને ખુદ મહદી કે પીરથી જેણે દીન લીધો.

કઈ એરા ગેરા નથ્થુએ શીખવેલા અકીદા નૈ ચાલે.

 

ઇન્સાનની બુદ્ધિ પૂર્ણ થશે, સૃષ્ટિના રહસ્યો ઉઘડી જશે

વિજ્ઞાનના ખોટા તુક્કાઓ, વિદ્વાનના દાવા નૈ ચાલે

 

દાદાની તરીકત પર ચાલી, ઇન્સાફને કાયમ કરશે એ,

આ ભ્રષ્ટ વ્યવસ્થા નૈ ચાલે, દજ્જાલના ચેલા નૈ ચાલે.

 

આધાર "કલીમે" રાખ્યો ત્યાં બખ્શિશનો ઇમામે મહદી પર

મહેશરમાં ખુદાની સામે જ્યાં આમાલ અમારા નૈ ચાલે.

આવડે છે

 

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શહેની મજલિસમાં સૌ દર્દ ભૂલી, જેને દોડી જતાં આવડે છે.

કેવળ એને જ ઝહરાના દરથી, કિબ્રિયા પામતાં આવડે છે.

 

વસવસા જો અય ઇબ્લીસ! તુજને દિલ મહીં નાખતાં આવડે છે,

તો મને પણ અલી મુર્તઝાને પળમાં બોલાવતાં આવડે છે.

 

જુલ્મના તડકે કરમાયેલા ગુલ, ઝંખના એવા માળીની રાખે

ન્યાયની વાદળી ખેંચી લાવી, જેને વરસાવતાં આવડે છે

 

છે અમારા ઉપર હાથ એનો જે ચિરાગે હિદાયત છે પોતે,

પીરને એ જ દીવાથી બીજા દીવા પ્રગટાવતાં આવડે છે.

 

જીભ કાપી, મને ફાંસી પર જો, ને મજા લે તું તારી સિતમગર!

બોલ્યા મીસમ વગર જીભે મુજને, ઝિક્રને માણતાં આવડે છે

 

બોલ્યા સજ્જાદ મરજી છે રબની, કેદ શું છે આ તારી, અય ઝાલિમ!

હું તો બેટો છું એનો કે જેને, રબનું ઘર ચીરતાં આવડે છે

 

ઉમ્મે લૈલાના અય ચાંદ અકબર! આ ફકત મોઅજિઝો છે તમારો,

નામ અલ્લાહો અક્બરની સાથે જીવતું રાખતાં આવડે છે.

 

એ જ મૌલા છે, સિદ્દીકે અક્બર, એ જ ફારૂકે આઝમ ખુદાના,

બન્ને આંગળ ઉપર બાબે ખૈબર, જેને ઉથલાવતાં આવડે છે..

 

એ જ કારણ ઇશારો કરીને ચાંદના બે કર્યા એણે ટુકડા,

કે ખુદાને ખબર છે નબીને ચાંદલો સર્જતાં આવડે છે.

 

એક મિસરા ઉપર એક જન્નત, કોલ છે આ તો જાફરનો બેશક,

રોજ બહલોલ અમને તો જન્નત, જોઈ લો વહેંચતા આવડે છે.

 

શુ થયું જો ઊભાં છે હજારો લઈને તલવાર અસ્ગરની સામે,

રણમાં શબ્બીરના દીકરાને આંખથી બોલતાં આવડે છે.

 

અય અલીના ખુદા! તું જ રાઝિક, રિઝ્ક પહોંચાડે છે તું બધાને,

તું જ આપે છે તારી દયા છે, અમને ક્યાં માંગતા આવડે છે.

 

હોય કેવીએ મુશ્કિલ ન ગભરા, મુર્તઝા છે અજાએબના મઝ્હર,

મુશ્કિલોના બુતો મુર્તઝાને ચપટીમાં તોડતાં આવડે છે.

 

તું સવાલો પૂછીને તો થાકીશ, પણ સલૂનીના સાહેબ ના થાકે,

પ્રશ્ન પૂછે જો એક તો હજારો ઉત્તરો આપતાં આવડે છે.

 

શેર છે આ અલી મુર્તઝાનો એને શામી શિયાળોનો ડર શું ?

ગાઝી અબ્બાસને એક ઇશારે લાખને મારતાં આવડે છે.

 

પાણી બીબીના છે હક મહેરમાં, બાપ જેનો છે કૌસરનો માલિક,

એક ઠોકરથી શાહે હુદાને, દરિયા છલકાવતાં આવડે છે.

 

ઈદના વસ્ત્રની વાત આવી તો કહ્યું આવશે કાલે દરજી,

ફાતેમા ઝહરાને જન્નતોમાં કપડાં સિવડાવતાં આવડે છે.

 

હો "અલિફ" કે "અકીબ" કે "કલીમ"હો, શાયરી કરવી રબની "અતા" છે,

આ કરમ ફાતેમાનો છે "ખાદિમ", શબ્દ શણગારતાં આવડે છે

કસીદા અલીના

 

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

સજાવીને મહેફિલ અલી મૂર્તઝાની પઢે છે મલંગો કસીદા અલીના,

ફઝીલતની જેની કોઈ હદ મળે ના બુલંદીથી આગળ છે રુતબા અલીના.

 

ધરા, આસમાનો,સિતારા,બગીચા,સમંદર,પહાડો,જહન્નમ ને જન્નત,

ખુદાએ આ સર્જન કર્યું એના માટે ને કાઢ્યા છે સદકા આ મૌલા અલીના.

 

ખુદા કૂન કહે તો કહે કોના મોઢે? જો આદમને સર્જે,કયા હાથે સર્જે,

અલીની જીભેથી ખુદા બોલે કાયમ, બે હાથો ખુદાના છે જમણા અલીના.

 

અલી શ્વાસ લે તો હવા જોશ મારે, અલી મુસ્કુરાયે તો વરસાદ વરસે

આ રાતો આ દિવસો, નથી કાંઈ બીજું, આ પલટાય છે ભૈ, પડખા અલીના.

 

અલીની વિલાયત સ્વીકારી તો એણે બનાવ્યા નબી ને દીધા મોઅજિઝાઓ,

આ નબીઓ આ વલીઓ ન હોતે જગતમાં, કદી રાખતે જો ન રિશ્તા અલીના.

 

ઉછેર્યા છે જન્નતના શાહોને જેણે, મલાએકનાં ટોળાઓ ખાદિમ છે જેના

એ ખૈરુન્નિસાનો આ એક મર્તબો છે, અદબથી ધુવે છે એ જૂતા અલીના

 

આ જિન્નાત-ઇન્સાન, ફૂલો, સમંદર, ફરિશ્તાઓ હૂરો આ શશિયર દિવાકર

ગતિશીલતા સૌએ પામી કે જ્યારે, લખાયા બધે નામ આ'લા અલીના

 

સમય છે હજી કર મોહબ્બત અલીથી, નહીંતર પજવશે તને નોટબંધી,

અલીનું જ શાસન છે બંને જગતમાં કયામતમાં ચાલે છે સિક્કા અલીના.

 

ન તુરબત ન બરઝખ ન મીઝાનો મહેશર, બતાવે છે સીધા જહન્નમના મંઝર

જરા પૂછ મરહબ ને અંતરને, કેવા કયામતના લાગે છે ફટકા અલીના.

 

મેહેર જાફરીથી ઝહીરે ઝમાના, મુશાહિદ મુજાહિદ ને ફાઇઝ સુધી બસ

હરેક ઔલિયાની શકલમાં નિહાળ્યા, આ મોમિનની નસ્લોએ જલવા અલીના.

 

રિવાયતમાં મેઅરાજે-અહેમદનું વર્ણન, જો વાંચ્યું તો ઝૂમી ઊઠ્યાં તન, બદન, મન,

અને કેમ ના હો કે અર્શે-બરી પર, હતાં ત્યાં પ્રથમથી જ ઉતારા અલીના

 

નબુવ્વતથી, બેઅસત, 'ને ત્યાંથી રિસાલત, 'ને ત્યાંથી વિલાયત, શહાદત સુધીમાં,

જો જોયું તો તારીખના પાને-પાને લખેલા હતા સઘળા કિસ્સા અલીના.

 

નજફથી શહે-કરબલાના હરમ તક, સફર ઇશ્કે-હૈદરનો જોયો કલીમે,

વિખેરાયેલા જે હતા કાલે રણમાં, એ આજે છે સુંદર સિપારા અલીના