بِسْمِ اللّٰهِ
الرَّحْمٰنِ الرَّحِيْمِ
કર શુક્રનો સજદો,
અલ્લાહે પોતાનો કર્યો મહેમાન તને,
બક્ષ્યો છે શરફ
હજનો તુજને, હાજીનું ધરી સન્માન તને.
લબ્બૈક કહીને આગળ
વધ,
ચિંતાઓ બધી તું છોડી દે,
તક્લીફ ન પડવા
દેશે કશી,
ઝહરાના બે સંતાન તને.
પોશાક ગુનાહોનો
ફાડી,
પહેરી લે ઇતાઅતના વસ્ત્રો,
અલ્લાહ બનાવી દેશે
પછી મોમિન, કામિલ ઇન્સાન તને.
અલ્લાહની મરજી
પામી લે,
કર નિય્યત શુદ્ધ હૃદયથી તો,
શયતાન નહીં ગુમરાહ
કરે,
કરશે ન કદી હેરાન તને.
અહેરામને પહેરી
મોહરિમ બન, દિલ પાક કરી લે, તોબા કર,
એ બાદ નહીં લાગે
મુશ્કિલ હજના કોઈ અરકાન તને.
શું રબથી મુસાફો
કરવો છે ?
ચૂમી લે હજ્રે અસ્વદને,
આ અજ્ર અદા કર
અય બંદા,
બોલાવી રહ્યો રહેમાન તને.
તું રુક્ને યમાની
સામે જઈ,
સૌ દિલની મુરાદો કહી દેજે,
ઈમાન છે આમીન કહેવાનો
ખુદ કાબાનો સુલ્તાન તને.
કહેવાય છે હજમાં
આવે છે,
સુલતાને અરબના શેહઝાદા,
શાયદ કે મળી જાએ
હજમાં,
હરતા ફરતા કુરઆન તને.
તું જબલે રહમત
પર જઈને,
કુદરતનું જરા કરજે મંથન,
અલ્લાહની રહમતની
બંદા થાશે સઘળી પહેચાન તને.
અલ્લાહ કરીમ છે
બંદા પર,
માયૂસ "કલીમ" ન થાજે તું,
અલ્લાહ કરાવશે
એક દિવસ ઝમઝમનું પણ મયપાન તને.
ખાદિમહુસૈન
"કલીમ" મોમિન વલેટવા.