بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
ખુદાના દીનની પહેચાન છે અબૂ તાલિબ,
નબીના દીન પર અહેસાન છે અબૂ તાલિબ.
બુલંદ આપની ઇજ્જત, બુલંદ સરદારી,
કે શાન ખુદ કહે જીશાન છે અબૂ તાલિબ.
પઢી જો સૂરએ ઇમરાન તો ખબર પડશે,
ખુદાના બોલ છે, ઇમરાન છે અબૂ તાલિબ.
ખુદા કુરઆનમાં આ કોના ઘરની વાત કરે?
મનન તું કર કે એ ફરમાન છે અબૂ તાલિબ.
ખુદાના દીનની તબ્લીગ માટે ઢાલ બની,
નબીની સાથમાં હર આન છે અબૂ તાલિબ.
નબીની પરવરીશ કરનારને કહે કાફિર ?
કે ખાનદાની મુસલમાન છે અબૂ તાલિબ.
ખલીલે રબના રહ્યા વારિસો વસી વાલી,
અઝલથી સાહિબે ઈમાન છે અબૂ તાલિબ.
મદીના, કરબોબલા ને નજફ અને મક્કા,
તમામ મુલ્કના સુલતાન છે અબૂ તાલિબ.
નબીએ કોના ખભા પર વિતાવ્યું છે બચપણ?
પિતા અલીના, એ ઇન્સાન છે અબૂ તાલિબ.
અકીલ, મુર્તઝા, જાફર ને હઝરતે તાલિબ,
અનોખા આપના સંતાન છે અબૂ તાલિબ.
સખી, શરીફ, શુજા, ઇલ્મ, હિલ્મના માલિક,
કે સર્વ ગુણોમાં, ગુણવાન છે અબૂ તાલિબ.
તમારા ખૂનથી કાયમ હર્યુભર્યું જ રહ્યું,
નબીના દીનનું ઉદ્યાન છે અબૂ તાલિબ.
ન હોતે આપ તો દીને રસૂલ ના હોતે,
હજારો આપના અહેસાન છે અબૂ તાલિબ.
ગુલામ આપનો એથી "કલીમ" છે જગમાં,
ગુલામી આપની સન્માન છે અબૂ તાલિબ.
મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.