بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
શું શાન છે ઇજ્જત રુત્બો છે, અફ્ઝલ છે ફઝીલત કાઝિમની,
આબિદ ને સખી, સાબિર, સાજિદ, વલ્લાહ રે અઝમત કાઝિમની.
છે ઇલ્મમાં જાફરના વારિસ, ને ઇલ્મે લદુન્નીના માલિક,
હર એક સિફત હૈદરની મળે, હૈદરની વિરાસત કાઝિમની.
હર એક ઝબાનોના જ્ઞાની, ઇન્સાનની હો હૈવાનની હો,
અલ્લાહના અઢારે આલમમાં ઝળકે છે ઇમામત કાઝિમની.
એ બાબે હવાઇઝના માલિક, હર એક ઉપર છે નજરે કરમ,
હો દોસ્ત કે દુશ્મન હર એક પર સરખી છે સખાવત કાઝિમની.
એ અંધને આંખો આપી દે, ને દિલના હાલ સુણાવી દે,
ઇન્સાનની બુદ્ધિમાં ક્યાંથી આવે એ કરામત કાઝિમની.
ના ફક્ત હરામ હલાલ સુધી બુદ્ધિ એની મર્યાદિત છે,
સૌ ગૈબની વાતો જાણે છે, અલ્લાહની હુકુમત કાઝિમની.
હર એક દિવસ રોઝામાં રહે, ને રાત નમાઝોમાં ગુજરે,
મખ્લૂકને માટે માંગે દુઆ, છે ઉચ્ચ ઇબાદત કાઝિમની.
અલ્લાહની કુદરત ગમમાં છે, સૌ દર્દમાં આંસુ સારે છે,
બગદાદની કેદમાં જુલ્મ થયો, થઈ ગઈ છે શહાદત કાઝિમની.
ક્યાં તારા વિચારો ને શબ્દો, ક્યાં ઇલ્મ હતું તારામાં "કલીમ"
કાઝિમનો કરમ કે લેખી છે, જે આજ તેં મિદ્હત કાઝિમની.
મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો