بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
કહે છે પોતે કિબ્રિયા અલી વગર કશું નથી
નદી ચમન ગગન ધરા અલી વગર કશું નથી
ખુદા કબૂલ નૈ કરે, શિફા પણ આપશે નહીં
તું કર દુઆ કે કર દવા, અલી વગર કશું નથી
અલીના ફઝ્લથી બન્યા નબી નબી વલી વલી
આ અંબિયા આ ઔલિયા, અલી વગર કશું નથી
અલીના દીકરાઓનો, તમારા માથે હાથ છે
અય હુર! તમારા મર્તબા, અલી વગર કશું નથી.
હર એક જંગ જીતવા,અલી જ કામ આવશે,
કહે નબીને ખુદ ખુદા,અલી વગર કશું નથી.
અસાની વાત હોય કે,ઈસા મસિહની શિફા,
બધા અલીના મોઅજીઝા, અલી વગર કશું નથી.
પડી'તી જ્યારે મુશ્કિલો,મદદમાં કોણ આવતું ?
પુકારતા'તા અંબિયા, અલી વગર કશું નથી.
અશિરથી ગદીર તક ને કરબલાથી આજ તક,
અધૂરી દીનની કથા,અલી વગર કશું નથી.
ગુલામ અલી મહેર મુજાહીદો મુશાહીદો ઝહીર
હર એક પીર કહી ગયા, અલી વગર કશું નથી.
ખુદાથી માંગે જો દુઆ,અલીના માટે મુસ્તફા,
તો દે અલીના વાસતા, અલી વગર કશું નથી.
ફુરુએ દીનમાં અલી,ઉસુલે દીનમાં અલી,
કહે ખુદાના કાયદા, અલી વગર કશું નથી.
અમલ વિલા વગરના જો, ખુદા સમક્ષ આવશે
તો મોઢે મારી કહેશે જા, અલી વગર કશું નથી.
ઘણાં દિવસ વીત્યા પછી ખબર પડી છે ફોજને,
કહી રહ્યા'તા ભલ ભલા, અલી વગર કશું નથી.
વિલાયતે અલી જ છે જે બેવ જગમાં ચાલશે,
મરેલા હો કે જીવતા અલી વગર કશું નથી.
જો એનો ઝિક્ર થાય ના, તો ઝિક્ર ઝિક્ર શું રહ્યો ?
આ મહેફિલો મુશાયરા અલી વગર કશું નથી.
બધો છે ફૈઝ એમનો ટકી રહી છે જિંદગી,
કે આ કલીમે કરબલા અલી વગર કશું નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો