અલવિદા પ્યારા મુશાહિદ પીર રેહબર અલવિદા,
આંસુઓ પણ આંખના બોલે છે ઝરમર અલવિદા.
શોકમય વાતાવરણ છે જાફરી ઉદ્યાનનું,
મોમિનો છે સોગમાં, રોવે છે અંતર અલવિદા.
વ્હાલ દીધો કોમને તેં બાપ કરતા પણ વધું,
કોમની કીધી હિદાયત જિંદગીભર અલવિદા.
બાળ, મોટેરા, યુવાનો હર કોઈ ગમગીન છે,
છે જુદાઈ આપની ગમનાક રેહબર અલવિદા.
છે હજી રોશન હિદાયતના દીવા, રહેશે સદા,
હકના હામી, અય હિદાયતના દિવાકર અલવિદા.
તારા એ અહેસાન રેહબર કોમ શી રીતે ભૂલે?
તેં વહાવ્યા ઇલ્મના હૈયામાં સાગર અલવિદા.
વ્હાલ સોયા આવ દીકરા ફાતેમા બોલી ઉઠ્યા,
જ્યારે આવ્યું આ જમાનાના લબો પર,
અલવિદા
વેણ તારા છે સલામત આજ પણ હર દિલ મહીં,
રોઈ રોઈને કહે હર એક અક્ષર અલવિદા.
તું રજબમાં રબની મરજીથી પધાર્યો જગ મહીં,
ને રજબમાં રબથી મળવાને છે તત્પર,
અલવિદા.
નૂરમાં જઈને ભળી ગઈ રૂહ તારી એટલે,
કહી રહ્યું છે આજ આખુંયે તને ઘર અલવિદા.
શાહ સવારે કરબલાને તું મળીને ખુશ થયો.
ને જગત તુજ ગમમાં બોલે છે કે રહેબર અલવિદા.
તેં જ શીખવાડ્યું રુદન સચ્ચાઈનું આ કોમને,
અય અઝાદારે હુસૈની શેહના દિલબર અલવિદા.
કરબલા સમજાવી આપે ઝાકિરે કરબોબલા,
આજ કાં અશ્રુ ન સારે કહીને મિમ્બર,
અલવિદા.
સોગમાં કાગળ કલમ છે, શું લખે આગળ "કલીમ"?
હોજે કૌસર પર મળીશું રોજે મેહશર,
અલવિદા.
જન્મ- ૧૪-૦૭-૧૯૪૩, ૧૦ રજબ,હિ.સ.૧૩૬૫,
બુધવાર, વડોદરા
પીર સૈયદ મોહંમદ મુશાહિદહુસૈન જાફરી વફાત ૧૯-૦૨-૨૦૨૨,૧૭ રજબ,હી.સ.૧૪૪૩, શનિવાર, સિદ્ધપુર, દફન સ્થળ: મેતા
ખાદીમહુસૈન "કલીમ" મોમિન- વલેટવા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો