body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

ગુરુવાર, 24 જુલાઈ, 2025

યા હુસૈન બાદશાહ

 

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

 

યા હુસૈન બાદશાહ, દીને હકના રહેનુમા, ફાતેમાના દિલરુબા હુસૈન

લાફતાના લાડલા, જાનશીને મુસ્તફા, તું છે શાહે કરબલા હુસૈન.

 

હક બચાવવાને તું પધાર્યો કરબલા

ભૂખ પ્યાસ વેદના સહન કરી બલા

મોત સામે આવી પણ કદમ ન ડગમગ્યા

હર મુસીબતો ટળી, હકને જિંદગી મળી,

દીનને મળી બકા હુસૈન ...૧

 

જે જગા ઉપર ન કોઈ પણ રહી શક્યા

તેં વતનને છોડીને વસાવી કરબલા

લાજ હકની રાખવા સિતમ સહન કર્યા

શેરે હકનો શેર થઈ, જંગમાં દિલેર થઈ,

કૂફ્ર તેં કર્યું ફના હુસૈન....૨

 

કરબલાની સલ્તનતનો તું નવાબ છે

તું શહાદતોના નભનો આફતાબ છે

તું શહીદ, તું અમર છે, કામિયાબ છે

હક ઉપર અડગ રહી, હર સિતમ સહન કરી,

પૂરા કીધા વાયદા હુસૈન...૩

 

મોતને તેં મ્હાત આપી જિંદગી કરી

રક્ત રેડી દીને હકમાં રોશની કરી

હક બચાવી નામના તેં કાયમી કરી

દીનની પનાહ તું, મુસ્તકીમ રાહ તું,

લાઇલાહની બકા હુસૈન....૪

 

અય અલી ને ફાતેમાના લાલ મરહબા,

તેં અજબ કરી દીધો કમાલ મરહબા

તારી જગમાં કોઈ ના મિસાલ મરહબા

નફ્સે મુત્મઈન તું, દીનનો અમીન તું,

દાદ આપે કિબ્રિયા હુસૈન...૫

 

ભૂલશે ન કોઈ તારો ગમ કદી હુસૈન

સોગવાર રહેશે તારી હર સદી હુસૈન

રહેશે જારી તારા સોગની નદી હુસૈન

ગમ આ કાયમી રહે, આંખથી સદા વહે

આંસુઓની અલ્કમા હુસૈન....૬

 

જૂઠ સામે સત્યનો પ્રહાર તેં કર્યો

દીને હકનો કંઈ અજબ પ્રચાર તેં કર્યો

જુલ્મને કઝા મળી એ વાર તેં કર્યો

હકનું જે બયાન છે, ગુંજતી અઝાન છે,

છે આ તારી સૌ અતા હુસૈન....૭

 

આવો પૂછીએ કલામે પાકને જરા

શાન કોની આયતોમાં ટાંકે છે ખુદા

કોનો મદહખ્વાન થઈ ગયો છે કિબ્રિયા

હકની એ જબાનમાં, બોલે તારી શાનમાં,

હલઅતા ને ઇન્નમા હુસૈન...૮

હુર ઉપર હુસૈનનો અજબ કરમ થયો

એક રાતમાં એ જન્નતી બની ગયો

થઈને હક ઉપર ફિદા સદા અમર રહ્યો

પામી એ રીતે નજાત, થઈ ગઈ એ પાક જાત

ના રહી કોઈ ખતા હુસૈન...૯

 

છે અશક્ય, કોઈ પણ મુરાદ ના ફળે

કરબલા જે આવે એની હર બલા ટળે

એક પણ મરીઝ લા દવા નહીં મળે

તારા પાક ખૂનની, શું અજબ અસર ભળી,

ખાક થઈ ગઈ શિફા હુસૈન...૧૦

 

તારી જિંદગીનો હર દિલે પ્રભાવ છે

વિશ્વની હર એક કોમને લગાવ છે

ધર્મનો ક્યાં તારા ઘ્વારે ભેદભાવ છે

કોઈ ઔલિયા કહે, કોઈ મ્હાત્મા કહે

કોઈ બોલે દેવતા હુસૈન....૧૧

 

કરજો પૂરી શાહ સૌ દુઆ 'કલીમ'ની

હક અદા હો તારો 'ખાદિમે હુસૈન'થી,

ઝિક્રમાં વિતાવી દે તમામ જિંદગી

હર કદમ ને દમ બદમ, તારો હો સદા કરમ,

રાજી બસ હો ફાતેમા હુસૈન...૧૨

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો