بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
ફાતેમા બિન્તે અસદના લાલ હૈદર અલવિદા,
શેરે દાવર અય અબુતાલિબના દિલબર અલવિદા.
યા અલી, મુશ્કિલકુશા, શેરે ખુદા, હાજત રવા,
મોમિનોના પેશવા, સરદાર,
સરવર અલવિદા.
એક બસ તારી જુદાઈમાં બધા ગમગીન છે,
એ સલૂનીનો સદા આપે છે મિમ્બર અલવિદા.
મસ્જિદે કૂફા અને મહેરાબમાં સૂનકાર છે,
કહી રહ્યા છે ગમમાં એ હર એક મંઝર અલવિદા.
પ્રેમ તેં દીધો હતો એક બાપથી પણ કૈં વધુ,
અય ગરીબો ને યતીમોના પયમ્બર અલવિદા.
મોકલે છે જન્મઘર કાબા તને લાખો સલામ,
સાદ આપે છે રડી અલ્લાહનું ઘર અલવિદા.
નાઝ તારા પર કરે છે ખુદ નમાઝો ને દુઆ,
ને પુકારે છે અઝાં અલ્લાહો અકબર અલવિદા.
જિંદગીભર તેં દીને ઇસ્લામની સેવા કરી,
અય સખાવતના શહેનશાહ ઇલ્મના દર અલવિદા.
મોકલે સલવાત હર કુરઆનના પારા તને,
અય ફસાહત ને બલાગતના દિવાકર અલવિદા.
મોમિનો માતમ મનાવે મરસિયા મજલીસ પઢે,
આંખથી ટપકી કહે આંસુના ગૌહર અલવિદા.
યા અલી એક આરઝૂ છે ભીખ માંગે છે "કલીમ",
હું કહી દઉં જિંદગીને તારા દર પર અલવિદા.
કહી રહ્યા છે અશ્ક ટપકીને કલમની આંખથી,
અય "કલીમે કરબલા"ના પ્યારા રહેબર અલવિદા.
૧૭-૫-૨૦૨૦
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો