بِسْمِ اللّٰهِ
الرَّحْمٰنِ الرَّحِيْمِ
એ જ છે તારો હકીકી
રાહબર દીનિયાત પઢ,
ઇલ્મથી તારે થવું
હો તરબતર,
દીનિયાત પઢ.
જુલ્મ જો તારા
ઉપર કોઈ કરે,
ખામોશ રેહ,
ત્રાજવા અન્યાયથી
જો એ ભરે,
ખામોશ રેહ,
કરબલાથી લે સબક
તું સબ્ર કર,
દીનિયાત પઢ.
ફિક઼્હના, અખ઼્લાક઼ના મોતી મઢ્યા છે રેહબરે,
મોતીઓ એ પામશે
જે એના સાગરમાં તરે,
ના મળ્યું કઈ એવો
ના સંતાપ કર,
દીનિયાત પઢ.
ઇલ્મના એ દર થકી
સૌ ઇલ્મનાં ઝરણાં ઝરે,
રક્તનું સિંચન
છે એમાં,
રૂહ ફૂંકી રેહબરે.
બાખુદા તૌહીદ તકની
છે ડગર,
દીનિયાત પઢ.
ભાઈ-બહેનો, મોમિનોના હક અદા કરતો રહે,
આદતો બુરી જીવનથી
તું જુદા કરતો રહે,
થઈ જશે સહેલું
આ તારું જીવતર,
દીનિયાત પઢ.
ભૂખ છે જો ઇલ્મની
તો આવ થાશે તરબતર,
પાથર્યું છે પીરે
એને આવ દસ્તરખ્વાન પર,
થઈ જશે ઇસ્લામથી
તું બાખબર,
દીનિયાત પઢ.
દૂર છે એ સૌ મુરીદોથી
તો જિસ્માની રીતે,
છે સદા સાથે ને
સાથે પીર રૂહાની રીતે,
એના ચહેરા પર જો
કરવી હો નજર,
દીનિયાત પઢ.
ખોખલી આવી મોહબ્બત
તો કદી ચાલે નહીં,
પીરને માને છે
પણ તું પીરનું માને નહીં,
છે અકીદત પીરથી
સાચી અગર,
દીનિયાત પઢ.
આવનારા રાહબરને
પ્યારનો ઉપહાર દે,
જે મુજાહિદને દીધો'તો એવો તું સહકાર દે,
થઈ જશે બન્નેવ
જગમાં તું અમર,
દીનિયાત પઢ.
પઢ! હે મોમિન, પઢ! અને એના ઉપર તું કર અમલ,
એ રીતે જીવીને
આખેરતની પામી લે મજલ,
નફ્સના અંધારને
તું દૂર કર,
દીનિયાત પઢ.
એ ખુદાના દીનની
હર વાતમાં મળશે તને,
તફસીરે કુરઆનમાં, દીનિયાતમાં મળશે તને.
શબ્દે શબ્દે પામશે તું રાહબર દીનિયાત પઢ.
ખાદિમહુસૈન "કલીમ" મોમિન.