بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
આંખથી આંસુ નીતરતી અલ્કમા કાયમ રહે,
ગમ રહે સરવરનો દિલમાં કરબલા કાયમ રહે.
તારા પર મરવાનો એક જ અર્થ છે જીવી જવું,
તારા રસ્તે ચાલવું જાણે ખુદા સાથે થવું,
આ સફર અય હમસફર બસ બાખુદા કાયમ રહે.
કરબલાના હર કણોમાં મૌલા તારું રક્ત છે,
સૌ બિમારીના ઇલાજો એ કણોમાં વ્યક્ત છે.
સૌ અઝાદારો ઉપર એની શિફા કાયમ રહે.
યા હુસૈન ઈબ્ને અલી તું દીન માટે શ્વાસ છે,
મુસ્તફાનો લાડલો બંદો ખુદાનો ખાસ છે.
હર દિલે હર ધડકને તારી વ્યથા કાયમ રહે.
ચૌદસો વર્ષો થયાં તારી અઝાદારી રહી,
ગમ રહ્યો તારો હંમેશા ને વફાદારી રહી.
આ સબીલો ને જુલુસો આ અઝા કાયમ રહે.
ના મળે દુનિયાનો વૈભવ ના મળે કોઈ ખુશી,
એ જીવન છે મૌત જેવું જેમાં તારો ગમ નથી.
યાદ તારી દિલમાં જીવે, વેદના કાયમ રહે.
કરબલામાં રોજે આશુરા
હતો જે એકલો,
આજ દુનિયાભરમાં તારા લાલના છે ચાહકો,
ફાતેમા ઝહરા તમારાથી વફા કાયમ રહે.
સત્યના પંથે શહાદત તારી ઝળકે છે હુસૈન,
હર નમાઝોમાં સદાઓ તારી ગુંજે છે હુસૈન.
યાદ તારી હર દિલે શાહે
હુદા કાયમ રહે.
કરબલાનું દર્દ જીવનભર લખે તારા ગુલામ,
મનકબત ને મરસિયા નૌહા અને સોઝો સલામ.
ફાતેમા ઝહરા તમારી હર અતા કાયમ રહે.
આપના નૌકર છે યા મૌલા આ ખાદિમ ને કલીમ
રાખજો નજરો કરમની બન્ને ઉપર અય કરીમ.
નૌકરી તારી સદા હો, આસ્થા કાયમ રહે.
મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો