بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
દુરુદ ઝહરાના લાલ તુજને દુઃખી દિલોના સલામ આકા,
હર એક ઇન્સાનના હૃદયમાં રહ્યો છે તારો મુકામ આકા.
તેં બીજ ઈન્સાનીયતના રોપ્યાં હતાં એ આજે ચમન થઈને,
સુગંધ પ્રસરાવતાં રહ્યાં છે તમામ આલમમાં આમ આકા.
અસત્ય સામે ઝૂક્યા નહીં ને કપાવ્યું મસ્તક,
ન હાથ આપ્યો,
અમર થયા સૌ શહીદ થઇને, અમર રહ્યું તારું નામ આકા.
તેં છ મહિનાના બાળની પણ કરી ન પરવા,ફિદા કર્યો છે,
ખુદાના દીંને બચાવવાને
લૂંટાવ્યું તેં ઘર તમામ આકા.
શહીદ કાયમ અમર રહે છે એ વાત સાબિત કરી દીધી તેં,
કે શીશ નેઝે ચઢીને તારું પઢે ખુદાનું કલામ આકા.
સદાય હક પર જીવી જવું ને,મરો તો હક પર રહીને મરવું,
સદાય મોમિનની જિંદગીમાં
રહ્યો છે તારો પયામ આકા.
ફક્ત તું મોમિનનો ના રહીને હર એક દિલમાં વસી ગયો છે,
હર એક ધર્મો કરે છે આદર, કરે છે હર એક પ્રણામ આકા.
જે ચાહે છે તું હાં
એવો મોમિન બનાવી દેજે મનેય મૌલા,
સદાય હક પર, રહું જીવનભર બનીને તારો ગુલામ, આકા
નજર છે પ્યાસી, તડપ મિલનની, દુઃખી છું તારાથી દૂર રહીને,
બુલાવજે તું "કલીમ"ને પણ પીલાવા દર્શનના જામ આકા.
મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો