بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
શરાબે મનકુન્તો પીને આજે ઝૂમી રહ્યા છે ગદીરવાળા,
અલી વલીના કસીદા દિલથી પઢી રહ્યા છે ગદીરવાળા.
સજાવે મિમ્બર અલીના માટે નબી કઝાવા કરીને ભેગા,
કે હક રિસાલતનો પૂર્ણ આજે કરી રહ્યા છે ગદીરવાળા.
ખુદાનું ફરમાન જે થયું'તું બસ એજ બલ્લીગની વાત હક છે,
અમારા મૌલા, વસી અમારા વલી રહ્યા છે ગદીરવાળા.
અહીંજ કૌસર, છે મન્નો સલવા, ખુદાની નેઅમત થઈ છે નાઝીલ,
વિલાયતી જામ પીને આજે જમી રહ્યા છે ગદીરવાળા.
નબી પયમ્બર મલક ને મુર્સલ બધાય હાજર ખુદાય હાજર,
અમીરે મોમિનને સૌ મુબારક કહી રહ્યા છે ગદીરવાળા.
છે ઇદે અકબર ખુશીનો અવસર બધાના ચેહરા ખીલી રહ્યા છે,
સજાવી મહેફિલ હસી હસીને
મળી રહ્યા છે ગદીરવાળા.
ખુદાય ખુશ છે, નબીય ખુશ છે છે મસ્ત હૈદરના આશીકો પણ,
કે જેણે પામી વીલા અલીની સુખી રહ્યા છે ગદીરવાળા.
મળ્યો છે મૌલા ગદીરવાળો
"કલીમ" અમને કશી ન ચિંતા,
કે જાતે તકદીરના લખાણો લખી રહ્યા છે ગદીરવાળા.
મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો