بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
છે અસ્રનો સમય અને ઝયનબની છે સદા,
તરસ્યો છે મારો ભાઈ તું ખંજર ચલાવ ના.
નાનાનો આપું વાસ્તો ના કર લઇં જફા,
તરસ્યો છે મારો ભાઈ તું ખંજર ચલાવ ના.
હૈદરનો લાલ છે ને શહે મશ્રકૈન છે,
ઝહરાની આંખડીનું રતન દિલનું ચૈન છે.
રોકાઈ જા અય શીમ્રે સિતમ ખા જરા દયા,
તરસ્યો છે મારો ભાઈ તું ખંજર ચલાવ ના.
બોસાઓ જેને પ્રેમથી આપે ગળે રસૂલ
તસબીહ બનાવી હાર, જ્યાં પહેરાવતા બતૂલ
અહમદના ખાનદાનની ના લૂંટ તું મતા,
તરસ્યો છે મારો ભાઈ તું ખંજર ચલાવ ના.
જીબ્રિલ જેનો આવીને ઝૂલો ઝુલાવતા,
આવીને મલક અર્શના લોરી સુણાવતા.
માસૂમ મારો ભાઈ છે, શું એની છે ખતા ?
તરસ્યો છે મારો ભાઈ તું ખંજર ચલાવ ના.
પ્યાસો છે ત્રણ દિવસનો ને દિલ પર હજાર ગમ
મરજી એ રબની માનીને
સહેતો રહ્યો સિતમ.
એવા જખમ મળ્યા છે નથી જેની કલ્પના,
તરસ્યો છે મારો ભાઈ તું ખંજર ચલાવ ના.
સૂકી નસો ગળાની છે પાણી પીલાવ તું,
રોકાઈ જા ઓ શિમ્ર ના ખંજર ચલાવ તું,
દિલ મારું જખ્મી થઈ ગયું કેવી છે આ દશા,
તરસ્યો છે મારો ભાઈ તું ખંજર ચલાવ ના.
અકબર નથી ને કાસિમો અબ્બાસ પણ નથી,
ભાઈ છે મારો એકલો મહેશરની છે ઘડી,
એક એક શહાદતને વર્યા થઈ ગયા જુદા,
તરસ્યો છે મારો ભાઈ તું ખંજર ચલાવ ના.
અહમદનો વાસ્તો તને હૈદરનો
વાસ્તો
એક ભાઈને બહેનથી ખુદારા ન કર જુદો,
દુઃખીયા બહેનની લે ન ઓ જાલિમ તું બદદુઆ,
તરસ્યો છે મારો ભાઈ તું ખંજર ચલાવ ના.
"જાફર" કલમ રડે છે આ લખતાં "કલીમ"ની,
પૂરદર્દ વેદના છે આ જીબહે અઝીમની,
ઝયનબની કરબલામાં હજી આવે છે સદા,
તરસ્યો છે મારો ભાઈ તું ખંજર ચલાવ ના.
મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો