بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
ભરીને દિલમાં અલીની ઉલ્ફત ચલો મુસાફર ગદીર ચાલો
નબીના હુકમોને સર ચઢાવા નબીના નૌકર ગદીર ચાલો
છે ધોમધગતો ભલેને તડકો અનેરો અવસર છે આજ હકનો
કે આવી આબોહવામાં ઠંડક કરે દિવાકર ગદીર ચાલો.
હું જેનો મૌલા છું એનો મૌલા છે આજથી આ અલી ય મૌલા
કરે છે એલાન હકનું આજે નબી પયમ્બર ગદીર ચાલો.
મુદિત મસ્તાન આંખ મીંચી વિલાએ હૈદરનો જામ ઢીંચી
ખુમાર રગરગમાં કંબરી લઈ પીવાને કૌસર ગદીર ચાલો.
કઝાવા લીધા છે હાજીઓના કે કોઈ હતપત કરી શકે ના,
સજાવ્યો છે ખુદ નબીએ સુંદર અનોખો મિમ્બર ગદીર ચાલો.
કસીદા મિસમ પઢી રહ્યા છે ને આશીકો સૌ ઝૂમી રહ્યા છે,
ખુદાઈ રહેમતની થઈ રહી છે અનેરી ઝરમર ગદીર ચાલો.
ખુદાનું ફરમાન છે નબીને કે સોંપેલું કામ પૂરું કર તું,
મનાવો ખુશીઓ છે આજ મોટો ખુદાનો અવસર ગદીર ચાલો.
ખુદાની નેઅમત તમામ થઈ ગઈ ને દીન સંપૂર્ણ થઈ ગયો છે,
કે આજ મૌલા બની રહ્યા છે ઇમામ હૈદર ગદીર ચાલો.
જબાન મિસમની જેમ રાખી બની કલંદર બની શરાબી,
"કલીમ" છલકાવવાને આજે સનાના સાગર ગદીર ચાલો.
મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો