body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2020

રહેબર છે હુસૈન



بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

સબ્રનો સરદાર, ઉમ્મતનો તું સરવર છે હુસૈન.
તું જગે ઇન્સાનિયતનો, હકનો રહેબર છે હુસૈન.

તારું દિલ છે મુસ્તફાનું, મુસ્તફાનું દિલ છે તું,
તું પયમ્બરથી અને તુજથી પયમ્બર છે હુસૈન.*

અંબિયા પણ જે જગા ના લઈ શક્યા રાહતનો દમ,
સૌ બલા સાથે અડીખમ  એ જગા પર છે હુસૈન.

સાતસો વર્ષો સુધી જેને ખુદા બક્ષે નહીં,
એ ફરિશ્તા અર્શના તારી દયા પર છે હુસૈન.

"ના, નથી",નો શબ્દ પણ શબ્બીરના દર પર નથી,
થઈ ગયો તારો સવાલી પણ સિકંદર છે હુસૈન.

આગ ઓલવવા એ દોઝખની મને કામ આવશે,
આપના ગમમાં જે મારા અશ્રુ સાગર છે હુસૈન.

નાવમાં શબ્બીરની બેસી તમે પામો નજાત,
નૂહની જે નાવનો નાવક છે, સહચર છે હુસૈન.

હર જમાનામાં સદા જે દીનને ચમકાર દે,
તું શહાદતના ગગનનો એ દિવાકર છે હુસૈન.

બાળ તારો છ મહિનાનો જે ચાલી ના શકે,
એના પગથી મુસ્તફાનો દીન સદ્ધર છે હુસૈન.

નૌજવાં અકબર વર્યા જે મોતને, આપી અઝાં,
નાદ કાયમ એટલે અલ્લાહો અકબર છે હુસૈન.

દીન માટે શ્વાસ તેં બોત્તેર દીધા કરબલા,
દમબદમ એ દીનનો દમ તારા દમ પર છે હુસૈન.

ના યઝીદી ફોજ પણ સમજી શકી આ સત્યને,
ફેંસલો હુરનો કહે છે હક છે, હક પર છે હુસૈન.

દઈ દીધા તેં દીન માટે વ્હાલ સોયા લાલ પણ,
શું જીગર છે, જુલ્મ સામે તારી ટક્કર છે હુસૈન.

જાલીમે ખંજર ગળા પર ફેરવ્યું પણ ના મર્યો,
ફેરવ્યું તેં મોતને જીવનનું  ચક્કર છે હુસૈન.

જૂઠ ને પાખંડનો તેં સાથ ના દીધો કદી,
હકને માટે તેં કર્યું કુરબાન જીવતર છે હુસૈન.

નહીં થતો હું એથી નાસીપાસ જીવનમાં "કલીમ",
સબ્રનું મેં યાદ રાખ્યું તારું ભણતર છે હુસૈન.

* જનાબ સજ્જાદ "અસદ" અમીરી

મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો