body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

સોમવાર, 7 સપ્ટેમ્બર, 2020

હુસૈન ઇબ્ને અલીનો ભાઈ



بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

છે જાતમાં એક આખું લશ્કર, હુસૈન ઇબ્ને અલીનો ભાઈ,
જનાબે ઝહરાનો ગાજી, દિલબર, હુસૈન ઇબ્ને અલીનો ભાઈ.

દુઆઓ હૈદરની થઈ છે પૂરી, વફાની નહજે બલાગા ઉતરી,
અલમનો વારિસ, જરી ને સફદર, હુસૈન ઇબ્ને અલીનો ભાઈ.

કદી ઝુલાવે હુસૈન ઝૂલો, કદી હસન તો કદીક ઝયનબ,
જે પામે પાલક હસીન, સુંદર, હુસૈન ઇબ્ને અલીનો ભાઈ.

ઇલાહી સાવજનો શેર છે એ, જનાબે ઝહરા કહે છે બેટા,
મુકદ્દરોનો છે એ સિકંદર , હુસૈન ઇબ્ને અલીનો ભાઈ.

કદી કહ્યું ભાઈને ન ભાઈ, સદા કરી એણે જી હજૂરી,
રહ્યો બનીને હુસૈની નૌકર, હુસૈન ઇબ્ને અલીનો ભાઈ.

કે મૌજો ઉછડી કરે છે સ્વાગત, ને ફોજો ઉપર પડી છે આફત,
બપા નહેર પર કરે છે મહેશર, હુસૈન ઇબ્ને અલીનો ભાઈ.

અદાઓ એની અલીના જેવી, છે તેગ અલવી ને વાર અલવી,
ઉડાવશે સર હવામાં સર સર, હુસૈન ઇબ્ને અલીનો ભાઈ.

એ રાખે હમ્ઝાનું હામ હૈયે, છે જોશ જાફરનું બાવડામાં,
છે હાશમી નભનો તેજ ચંદર, હુસૈન ઇબ્ને અલીનો ભાઈ.

કહે છે લશ્કર કે ભાગો ભાગો, રહ્યો અહીં કોઈ જો અભાગો,
તો મોત દેશે ઘણી જ દુષ્કર, હુસૈન ઇબ્ને અલીનો ભાઈ.

તરસ તો મરજી હતી ખુદાની, વહાવતે એક પળમાં કૌસર,
લગાવી દેતે જો એક ઠોકર, હુસૈન ઇબ્ને અલીનો ભાઈ.

મુસીબતોમાં મદદ એ કરશે, નસીબ સૌના સંવારશે એ,
નબીની નાદે અલી બરાબર, હુસૈન ઇબ્ને અલીનો ભાઈ.

મુરાદો તારી રહે અધૂરી? બને નહીં એ કરે ન પૂરી,
સખાવતોનો અપાર સાગર, હુસૈન ઇબ્ને અલીનો ભાઈ.

છે મદ્હખ્વાનોમાં નામ મારું, કરમ સદાએ "કલીમ" પર છે,
અલમથી ઇલ્હામના દે અક્ષર, હુસૈન ઇબ્ને અલીનો ભાઈ.

મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો