بِسْمِ اللّٰهِ
الرَّحْمٰنِ الرَّحِيْمِ
ચચા અબ્બાસ પાણી લઈને આવો
તરસ પ્યાસી સકિનાની બૂઝાવો
સકિનાને તમારી આશ ગાઝી
કે પાણી લાવોને અબ્બાસ ગાઝી
છે તમને પ્યાસનો અહેસાસ ગાઝી
જરા આ મશ્કમાં દરિયાને લાવો.
તરસ પ્યાસી સકિનાની બૂઝાવો
સકિનાનો તમે કેવળ સહારો
સુણોને અલ અતશની આ પૂકારો
છે પ્યાસા બાળકોનો એક નારો
અય સક્કાએ હરમ અમને બચાવો.
તરસ પ્યાસી સકિનાની બૂઝાવો
તમે સક્કા હરમના બાવફા છો
તમે માં ફાતેમાના લાડલા છો
તમે મુશ્કિલકુશાની તો દુઆ છો
નહેર પર જઇ ભરીને મશ્ક લાવો.
તરસ પ્યાસી સકિનાની બૂઝાવો
થયા છે હાલ જો કેવા રડીને
ઊભા છે બાળકો કુંજા લઈને
કરે ફરિયાદ તુજથી કરગરીને
અગન પાણીની જલ્દીથી બૂઝાવો.
તરસ પ્યાસી સકિનાની બૂઝાવો
તરસથી ટળવળે છે બાલ અસગર
ને ચારેકોર છે દુશ્મનનું લશ્કર
બધા જલ્લાદ છે ને દિલ છે પત્થર
કિનારા પરનો એ પહેરો હટાવો.
તરસ પ્યાસી સકિનાની બૂઝાવો
અય ગાઝી બાળકો તરસે મારે છે
નથી પાણી બધા ફૂલો ખરે છે
નયનથી લોહીના આંસુ ખરે છે
તમે આવી અહી સૌને માનવો.
તરસ પ્યાસી સકિનાની બૂઝાવો
તેં બંને હાથ દરિયા પર કપાવી
વફાદારી ગજબની છે બતાવી
તરસ દીને ખુદાની તે બૂઝાવી
શમી ગઈ રણમાં પાણીની પૂકારો.
તરસ પ્યાસી સકિનાની બૂઝાવો
ભરીને મશ્ક આવ્યો બાવફા તો
પછી સૌ દુશ્મને પહેરો લગાવ્યો
કોઈએ તીર નેજો ભલો માર્યો
મદદ માટે અય આકા જલ્દી આવો.
તરસ પ્યાસી સકિનાની બૂઝાવો
“કલીમ” રડતી રહી પ્યાસી સકિના
રાહ જોતી રહી પ્યાસી સકિના
સદા દેતી રહી પ્યાસી સકિના
ચચા અબ્બાસ પાણી લઈને આવો
તરસ પ્યાસી સકિનાની બૂઝાવો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો