بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
અય સત્યના સ્વરાજના સ્થાપક! તને સલામ,
ઇસ્લામ તારી જાત છે, બેશક! તને સલામ.
પકડ્યો ઇલાહી પંથ ને પથ પર અડગ રહ્યા,
અય હકના પંથ રાહના ચાલક તને સલામ.
ઝૂલો ઝુલાવતા તને કહેતા'તા જિબ્રઈલ,
અય મુસ્તફાના દીનના પાલક તને સલામ.
તારા વગર લૂંટાવે ભર્યું ઘર, છે કોની હામ?
સરદાર તું, અય દીનના રક્ષક તને સલામ.
કરબલની ખાકમાં તું શિફા દઇ ગયો હુસૈન,
ઇન્સાનિયતના દર્દ નિવારક તને સલામ.
ઉમ્મતના હર દિલોમાં તું વ્યાપી ગયો સદા,
વૃદ્ધો કરે યુવાન ને બાળક તને સલામ.
ખાકીની શું વિસાત છે અલ્લાહ મોકલે,
સલવાત ને દુરૂદને લાયક તને સલામ.
ઇસ્લાહ તેં કરી એ અનોખી અદા હતી,
દુનિયાના સર્વશ્રેષ્ઠ સુધારક તને સલામ.
તેં સત્યની કિતાબ લખી તારા લોહીથી,
કાયમ કરે છે લોહનો લેખક તને સલામ.
અહેસાન તારા કોઇ ભુલાવી નહીં શકે,
હૈદર, નબી, ખુદાના સહાયક તને સલામ.
ઇન્સાન હર ધરમના મોહબ્બત કરે તને,
હકના કહી રહ્યા બધા ચાહક તને સલામ.
બાતિલને તેં બુઝાવી કરી હકની રોશની,
રોશન ઇલાહી દીનના દીપક તને સલામ.
દીને નબીના બાગમાં તારા થકી બહાર,
અય કુફ્ર, જૂઠ, જુલ્મના મારક તને સલામ.
તોફાનમાં હતી જે કિનારે તેં લાંગરી,
દીને નબીની નાવના તારક તને સલામ.
બેચેન દિલ "કલીમ"નું છે,
ચેન દે હુસૈન!
મખ્લૂકના દિલોના અય વાંચક! તને સલામ.
મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો