body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

રવિવાર, 12 એપ્રિલ, 2020

ઇશ્કે હૈદરમાં

ખુદા તું તારા દુશ્મનને કઝા આપે છે કંકરમાં
અલીથી બુગ્ઝ રાખે એ મરે છે એક પથ્થરમાં.

તૂટીને ચાહવાનો અર્થ કાબાથી કોઈ શીખે
ચિરાઈ છે અલગ અંદાજથી જે ઇશ્કે હૈદરમાં.

બુઝાશે ના કયામત લગ હવે એ દીનનો દિપક,
અલી આવી ગયા રોનક થઈ અલ્લાહના ઘરમાં.

અલીની સામે આવી જંગમાં પડકાર ફેંકે છે,
નથી તલવાર પણ ઝાલી શક્યા જે બાપ ગોતરમાં.

જલાલત જો જમાના જો જરીની તું ફુરાત ઉપર,
સૂરજનું તેજ પણ ઝાંખું પડે છે એના તેવરમાં.

ઉઠાવે એક ખૈબરને, ઉઠાવે એક પર્વતને,
તું એને દેખે ગિરધરમાં મને દેખાય હૈદરમાં.

ફરે છે ફાતેમાંના ફૈઝથી ધરતી બધા ફેરા,
બધી શ્રુષ્ટિનો છે આધાર એ ચક્કીના ચક્કરમાં.

અલીનું આંગણું અલ્લાહના એ  આભલે અડકે,
પયંબર પણ ઇજાજત સાથે દાખલ થાય એ ઘરમાં,

તને કઈ ખ્યાલ છે મરહબ તું કોની સામે આવ્યો છે?
જીવન ને મૌત એ લઈને ફરે છે પગની ઠોકરમાં.

અમલ દિનીયાત પર રાખી જો ઇલ્મી ફૂલ વાવો તો,
પછી રહેશે નહીં કોઈ ફર્ક અંતરમાં ને અત્તરમાં.

મિસમની એક જીભ કાપી તો લાખો જીભ ફૂટી છે
કલમની ધાર વધતી ગઈ રહી ના ધાર ખંજરમાં

કરીશું વાત મિસમ સાથે કૌસરના કિનારા પર,
લખીશું મિદહતે હૈદર કલમ બોળીને કૌસરમાં.

સરળ બાની,સરળ શબ્દો,ચમકતા ઇલ્મના દિવા,
વિચારોમાં નવીનતા એ જરૂરી છે સુખનવરમાં.

"ક્લીમે કરબલા" તારી કલમ જો કારગત નીવડી,
તને કામ આવી એ તારી  શફાઅત માટે મેહશરમાં.

2 ટિપ્પણીઓ: