શાને હૈદરના સુમન મહેંકાવતો ચાલ્યો ગયો
એ થકી તકદીરને ચમકાવતો ચાલ્યો ગયો
એ જ છે કારણ ગરીબી તે છતાં ધનવાન છું
સદગુણો અસ્હાબના અપનાવતો ચાલ્યો ગયો
સર કપાવી નેજા પર જઈને તિલાવત તેં કરી
સત્યના પૈગામને સંભળાવતો ચાલ્યો ગયો
સત્યના સજદા મહીં ગરદન કપાવીને હુસૈન
મ્હાત દઈને મોતને શરમાવતો ચાલ્યો ગયો
ઝાડમાં મૃત્યુના મીસમ નીરનું સિંચન કરી
જિંદગીના મર્મને સમજાવતો ચાલ્યો ગયો
કરબલામાં રહી ગઈ'તી એક કસર અસ્વદ તણી
જ્હોન એની ખોટને શોભાવતો ચાલ્યો ગયો
જામ હૈદરની વિલાયતના પીધા, પીધા પછી
પુલ પર સિરાતના મનફાવતો ચાલ્યો ગયો
આગ જીવન દર્દની હું ઠારવા કાયમ "કલીમ"
શેહના ગમમાં આંસુઓ છલકાવતો ચાલ્યો ગયો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો