જુલ્મ કેવળ બે ઘડીના બુદબુદાનું નામ છે,
સબ્ર સાગર સત્યનો વ્યાપી જવાનું નામ છે.
જુલ્મ કેવળ જુલ્મ છે ઝાઝો સમય ટકતો નથી,
સબ્ર તો સદીઓ સુધીના સિલસિલાનું નામ છે.
જુલ્મ, જો કોઈ યઝીદી થઈને આવે મૌત છે,
સબ્ર છે શબ્બીરીયત ને સર્વદાનું નામ છે.
જુલ્મ લાખોની ભલે તાદાતમાં હો હાર છે,
સબ્ર તો બોત્તેર લઈને જીતવાનું નામ છે.
જુલ્મના દીવા સતત બુઝતા રહે,અંધાર દે,
સબ્ર તો અજરા-અમર કરબોબલાનું નામ છે.
જુલ્મ છે જાહેલિયત,બરબાદીઓ,અંધારપટ,
સબ્ર પંજેતનની રાહે જીવવાનું નામ છે.
જુલ્મ છે શૈતાનીયત ને જૂઠ, પાખંડી યઝીદ,
સબ્ર માનવતા, હુસૈની કાફલાનું નામ છે.
જુલ્મ ખંજર, પ્યાસથી સુકા ગળા પર શીમ્રનું,
સબ્ર સજદામાં ખુદાને પામવાનું નામ છે.
જુલ્મની કિસ્મતમાં કેવળ લાનતો છે લાનતો,
સબ્ર દુનિયામાં અમન ફેલાવવાનું નામ છે.
જુલ્મ નિર્બળ છે કરે નિર્બળ ઉપર જુલ્મો સિતમ,
સબ્ર તો હૈદરની એ વીરાંગનાનું નામ છે.
જુલ્મ છે નામર્દ પાછળથી કરે છે ઘા સદા,
સબ્ર તો શૂરવીરતા ને બાવફાનું નામ છે.
જુલ્મ જકડે કેદમાં જો આબીદે બીમારને,
સબ્ર તો ગજવેલને ઓગાળવાનું નામ છે.
જુલ્મ પળભર માટે એની કોઈ આવરદા નહી,
સબ્ર અકબરની જવાની, કાળજાનું નામ છે.
જુલ્મ જાલિમ કૌમનું નાકામ એક હથિયાર છે,
સબ્ર ઝેવર સૈયદાનાં, મુર્તઝાનું નામ છે.
જુલ્મ પાણી પર લગાવે પેહરો બીજું શું કરે
સબ્ર શત્રુઓને પાણી આપવાનું નામ છે.
જુલ્મથી હારી જવાશે જંગ જીવનનો “કલીમ”
સબ્ર તો સર્વોપરી બસ જીતવાનું નામ છે.
“કલીમ” મોમીન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો