ઝિક્ર હોઠો પર અલીનો હું વિસરવાનો નથી
મિસમે તમ્માર છું ખામોશ રહેવાનો નથી.
જીભને કાપો છતાં હું દાર પર મિદહત કરીશ,
જેવો તેવો હું અલીનો પ્રેમદિવાનો નથી.
બસ અલીનું નામ લઈને લઇ લોને બેહલોલથી
ખુલ્દ માટે કોઈ મોંઘો દામ દેવાનો નથી.
વાગશે જો હૈદરી નારા તો મહેફિલ જામશે,
મૌન આવું રાખવાથી કૈફ ચઢવાનો નથી.
સ્મિત મારુ કાફી તુજને પસ્ત કરવા હૂરમલા
તેગનો લઈને સહારો તુજથી લઢવાનો નથી.
મશ્કમાં હું લઈ જવાનો છું ભરી આખી ફરાત
શેર છું હું હાથ ખાલી પાછો ફરવાનો નથી.
કૌસરી સાગર મહીં હું નાવ લઈને ઇશ્કની
અય કલંદર ડૂબવાનો છું હું તરવાનો નથી.
જ્યા સુધી મુશ્કિલકુશાનું નામ નહિં લે ત્યાં સુધી
કોઈ તારી મુશ્કિલોનો હલ નીકળવાનો નથી.
"ઝાકીરે આલે રસુલ"નો ધ્રુવ તારો છે "કલીમ"
એ સતત ઝળહળતો રહેશે,ના એ ખરવાનો નથી.
*"કલીમ" મોમીન વલેટવા*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો