બિરિમલ્લાહિર રહમાનિર રહીમ
‘કલીમે કરબલા' આવ્યો હદીસે અલ્કમા લઈને,
કરું છું મિદહતે ગાઝી સકીનાની રજા લઈને.
કે ખેબર તોડવા નીકળ્યા'તા હૈદર જે છટા લઈને,
થયા આરૂઢ ગાઝી મુર્તજઝ પર એ અદા લઈને.
અલમ પર મશ્ક બાંધેલી ઈરાદા એ બતાવે કે,
જશે અબ્બાસ તો પાણી ગમે તે હાલમાં લઈને.
જરીએ ફોજના દરિયામાં લીધો એ રીતે રસ્તો,
જમાનાના મૂસા આવ્યા હો જાણે કે અસા લઈને.
જગત આખું મળીને પણ જો પહેરો ભરતે કાંઠા પર,
છતાં અબ્બાસ નીકળી જાત આખી અલ્કમા લઈને.
હતું જે નૂહનું તૂફાન એ કેવળ હતું સપનું,
એ સપનાની ખરી તાબીર આવ્યા બાવફા લઈને.
ને મૌજો ઉછળી ઉછળી ને જરીનો જંગ જોતી'તી,
હરમનો સક્કા આવ્યો ઘાટ પર કેહરે ખુદા લઈને.
કે પહેરો ફૌજનો તોડી ફુરાત ઉપર કર્યો કબજો.
હુસૈની ઇશ્કના ઇકરારની દિલમાં વફા લઈને.
હતું બેતાબ હર ટીપું જવા મશ્કે સકીનામાં,
જરીના હાથ ચૂમી વિશ્વથી અંતિમ હવા લઈને.
ભરીને મશ્ક અબ્બાસે લીધો જ્યાં પંથ ખયમાનો,
નિરખતી રહી ગઈ ત્યાં અલ્કમાં પણ ઝાંઝવા લઈને.
હવે આ અલ્કમાનો દેહ તું સંભાળ અય કુફાર,
કે અબ્બાસે જરી નીકળ્યો છે એની આત્મા લઈને.
તરસ મરજી ખુદાની છે ઈશારો જો કરું હું તો,
ફરિશ્તા ખુદ લકથી ઉતરે કૌસરની સુરા લઈને.
પઢે ના કેમ કલમા તુજ વફાના ખુદ વફા અબ્બાસ,
તૃષા લઈને તું આવ્યો'તો, વળ્યો પાછો તૃષા લઈને.
અમદારે કપાવ્યા બેઉ બાઝૂ એ વિચારીને,
જવાશે શી રીતે આકા કને હાથો ભીના લઈને ?
વફાના રબના હાથોના મુસલ્લા પર થઈ મે'રાજ,
વહે છે ચૌદ સદીઓથી ફુરાત એ ભવ્યતા લઈને.
વફાના તૂર પર જઈને 'કલીમે' વાત જ્યાં કીધી,
જરી સામે જ ઊભા'તા બધા દુ:ખની દવા લઈને.
ખાદિમહુસૈન ગુલામમોહંમદ મોમિન 'ક્લીમ’ – વલેટવા
"યાદે વફાદાર" તરહી મુશાયરા- ૭ રજબ, એપ્રિલ-૨૦૧૫ હૈદરપુરા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો