body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

સોમવાર, 13 એપ્રિલ, 2020

મદીનામાં રસૂલલ્લાહ (સ.)નું આગમન



નબીના આગમનની જ્યારથી ઘડીઓ ગણાતી થઈ,
મદીનાની ધરા ત્યાં ઝૂમતી ને મુસ્કુરાતી થઇ.

હતા કટ્ટર એ શત્રુઓ કબીલા ઔસ ને ખઝરજ,
 પુરાણી દુશ્મની આજે જુઓ પળમાં ભૂલાતી ગઇ.

કુબાની મંઝિલે ઊભા રહીને વાટડી જોઇ, 
અલીના આવવાથી દિલ મહીં ઠંડક છવાતી થઈ.

બધા ચાતક સમા ઊભા નબીની રાહ જોઈને,
હરખથી સૌ હદયની ઉર્મિઓ હિંડોળા ખાતી થઈ.

પતંગા ઝંખે શમ્આને, ભ્રમર શોધ ફૂલોને જેમ, 
મદીનામાં નબીની વાટ એ રીતે જોવાતી થઈ.

કદમ માંડયા રસુલલ્લાહે જ્યાં યસરિબની ભૂમિ પર, 
મદીના નામથી ત્યારે ધરા એ ઓળખાતી થઈ.

પ્રથમ દીદાર અહમદના થયા જ્યારે મદીનાને,
નબીના નૂરથી ત્યાંની ધરા પણ જગમગાતી થઈ.

ખુદાનો શુક્ર વાજિબ કે રસૂલલ્લાહ પધાર્યા છે,
બધાના હોઠ પર આ ના'ત આજ ગુનગુનાતી થઈ.

બધા તત્પર છે અહમદને ઉતારો આપવા માટે, 
મદીનામાં તમન્ના સૌના દિલની એ જણાતી થઈ,

નબીની ઉટડી થંભી યતીમોની જમીં ઉપર, 
સહલ, સુહૈલની તો આજ કિમત મુસ્કુરાતી થઈ.

ન ખુશ હો કેમ હાં, આજે અબૂ ઐયુબ અન્સારી,
કે એના ઘરમાં જન્નતની બધી નેઅમત સમાતી થઈ.

ન કાં હો શ્રેષ્ઠ એ ઇસ્લામની મસ્જિદ, કહો યારો, 
અલી મૌલા, સહાબીઓ, નબી દ્વારા ચણાતી થઈ.

કે એના ઇશ્કમાં તો ખુદ ખુદા શામેલ છે યારો,
મોહંમદની મોહબ્બત તો મતા મોંઘી મનાતી થઈ.

મોહંમદની મોહબ્બતમાં સદા ‘ખાદિમ' કલમ તારી,
 હૃદયના તાર છેડીને પ્રણયના ગીત ગાતી થઈ.

 ખાદિમહુસૈન જી, મોમિન - (વલેટવા)

"સનાએ મીલાદ" તરહી મુશાયરા, ઇલોલ, રસૂલલ્લાહ (સ.)ની વિલાદત, જાન્યુઆરી, ૨૦૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો