હૈદરની વિલાયતનું છે મયઘર ગદીરમાં
સાકી બન્યા છે સાકીએ કૌસર ગદીરમાં
છે હાજીઓ ને અંબિયા હૂરો મલાએકા
છે ખુદ ખુદા ય પોતે હાજર ગદીરમાં
હું જેનો મૌલા એના અલી આજથી મૌલા
પૈગામ જો નબીનું છે નક્કર ગદીરમાં
વારિસ નબીનો કોણ છે એ પ્રશ્ન જે હતો
સાચો સચોટ એનો છે ઉત્તર ગદીરમાં
આ હુક્મ જો ન પહોંચ્યો તો પહોંચાડ્યું કંઈ નથી
પાલમ એ હુક્મનું છે બરાબર ગદીરમાં
એવો તો કોઈ લાવો જગતમાંથી શોધીને
પાલાનનો સજાવ્યો જે મિમ્બર ગદીરમાં
માથે હતી અલીની મોહબ્બતની છાંયડી
શું હામ કે દઝાડે દિવાકર ગદીરમાં
નહેજે બલાગા એક તરફ કુરઆન એક તરફ
પામે બુલંદી બંને બરાબર ગદીરમાં
સલમાનો અબુઝર અને કમ્બર ઝૂમી ઝૂમી
વહેંચે વિલાના જામ ને સાગર ગદીરમાં
કંકર છે કમ અલીની અદાવતમાં દોસ્તો
અલ્લાહ એથી મોકલે પથ્થર ગદીરમાં
ખુશ્બૂ હજુય કા'બાથી આવે છે મોમિનો
મનકુન્તોનું જે છાંટયું'તું અત્તર ગદીરમાં
જે મુસ્તફાની સાથ ઉભા'તા અશીરમાં
સોંપે ખિલાફત એને પયમ્બર ગદીરમાં
લાજી મરે છે જોઈને જન્નતના ફૂલડાં
મોહક સજાવ્યો બાગ જે બંઝર ગદીરમાં
અરમાન છે "કલીમ"નું બસ એક યા ખુદા!
જોવા મળે એ બારમાં હૈદર ગદીરમાં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો