બિસ્મિલ્લાહિર રહમાનિ રહીમ
રઝાથી જે મુનાઝિરને સવાલો પૂછતા જોયા,
જવાબો સાંભળી ઇસ્લામને અપનાવતા જોયા.
ઇરાદા કુફ્રના ઈમાન સામે તૂટતા જોયા,
જવાબો પર જવાબોથી સવાલો ખૂટતા જોયા.
સવાલો જો કરે ઝિન્દીક ઇલાહી જાત પર ત્યારે,
ખુદાના નૂરને નૂરે ખુદા સમજાવતા જોયા.
હવા પર ને ગગન પર ને ધરા પર કોનો કાબૂ છે ?
સૂરજ ને ચંદ્ર તેં કોના ઇશારે ધૂમતા જોયા ?
પછી માથાં ઝુકાવ્યાં એમણે મૌલા રઝા આગળ,
ખુદાના દીનમાં જેઓને માથાં મારતા જોયા.
કહે ઈસાઈ બતલાવો ન કહીએ કેમ એને રબ ?
મરેલાને ઈસાના મો'જિઝાથી જીવતા જોયા.
કહે મૌલા કે મૂસા હોય, ઇબ્રાહીમ કે હિઝકીલ,
ખુદાના હર પયમ્બર દ્વારા મો'જિઝા થતા જોયા.
અગર ઇસા ખુદા છે તો ઇબાદત એ કરે કોની,
ઈસાને કૈં નમાઝો પઢતા, રોઝા રાખતા જોયા.
દલીલો સાંભળીને વારિસે નહજુલ બલાગાની,
ઈસાઈ આલિમોને તે ઘડી ચૂપ થઈ જતા જોયા.
કદી કુરઆનની આયતથી સમજાવી દલીલોને,
કદી તૌરાત ઈંજીલના હવાલા આપતા જોયા.
મજૂસી હો કે ઝિન્દીક હો કે આલિમ હો નસારાના,
રઝાના ઇલ્મ સામે સૌને ઘૂંટણ ટેકતા જોયા.
સવાલો જો મુનાઝિરને કર્યા મૌલા રઝાએ તો,
અવાચક થઈ જઈને મૂંગા મોઢે ચાલતા જોયા.
મુનાઝિર ઇલ્મ જોઈ શર્મથી ગરકાવ થઈ બેઠા,
જે આવ્યા લાફતાના લાલ સામે, લાપતા જોયા.
રઝાના મોજીઝા જોતે તો એને પણ ખુદા કેહતે,
ખુદાનો શુક્ર કાલિનથી ન સિંહો આવતા જોયા.
મળે દાઅબલ ખીઝાઈનો દરજ્જો આપના દર પર,
"કલીમ"ને ઘ્વાર પર તારા જગત ઠુકરવાતા જોયા.
'કલીમ'ને હોય શું પરવા હવે મહેશર તણી યારો ?
રઝાને ખ્વાબમાં મેં મારા જામીન આપતા જોયા.
રચયિતા : ખાદિમહુસૈન મોમિન ‘કલીમ' - વલેટવા.
"રઝાએ ઇલાહી" તરહી મુશાયરા, વિલાદત ઇમામ અલી રઝા (અ.) મહેરપુરા, સપ્ટેમ્બર, ૨૦૧૪.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો