body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

રવિવાર, 12 એપ્રિલ, 2020

માંગે છે હવે



بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


મોમિનો બસ આપની સરકાર માંગે છે હવે,
ન્યાયદાતા, આપનો દરબાર  માંગે છે હવે.

જૂઠનું છે જોર ને જાલિમ યઝીદી દૌર છે,
આ સમય બસ હૈદરી તલવાર માંગે છે હવે.

અવનવાં છે રોગ મૌલા માનવી બેબસ બન્યો,
આ જગત બસ અહમદી ઉપચાર માંગે છે હવે.

દાદી ઝહરાની બકીઅ બંઝર અને વેરાન છે,
આવ તું કે એ ધરા ગુલઝાર માંગે છે હવે.

રાહ તારી જોઈને સૌ મોમિનો થાકી ગયા,
તારા પગલાંનો બધા રણકાર માંગે છે હવે.

કુફ્રનો સંસારમાં  અંધાર ચારેકોર છે,
આવ તું સૂરજ થઈ, ચમકાર માંગે છે હવે.

છે ઉદાસી દીનના ગુલઝારમાં સૂનકાર પણ,
જન્નતી એક મોરનો ટહૂકાર માંગે છે હવે.

શ્વાસ ધીમાં, ધડકનો ધીમી પડી ગઈ છે ઇમામ,
આવ તું કે દીન પણ ધબકાર માંગે છે હવે.

બેશરમ દાનવ બની બેઠો છે આજે માનવી,
આવ તું ઇન્સાનિયત શણગાર માંગે છે હવે.

આવ તું મુશ્કિલકુશા થઈને કે તારી આશ છે,
સૌ યતીમો આપનો ઉપકાર માંગે છે હવે.

અય ખુદાની આખરી હુજ્જત અરજ છે આટલી,
જિંદગી બસ એક નવો સંચાર માંગે છે હવે.

તંગદસ્તી, મુફલિસીમાં છે વિકટ જીવન સફર,
બસ "કલીમ" આ આપનો આધાર માંગે છે હવે.

મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો