body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

રવિવાર, 12 એપ્રિલ, 2020

એ તકી

નાઝ જેના હર ઘડી તકવા ઉઠાવે એ તકી,
તકવો જેના ઘ્વાર પર મસ્તક ઝુકાવે એ તકી.

જેમના વાલિદ રઝા, ને વાલિદા છે ખૈઝુરાન,
નામ જે હઝરત મોહંમદનું ધરાવે એ તકી.

જન્મતાંની સાથ જે અલ્લાહનો કલમો પઢે,
આ જગતને ખુદની જે ઓળખ કરાવે એ તકી.

બે વરસની ઉમ્રમાં ખુતબો એ આપે લોકને,
મરતબા દુનિયાને પોતાના જણાવે એ તકી.

છે લકબ જેના તકી, જવ્વાદ, આલિમ, મૂર્તઝા,
શાન પણ હર એક લકબ જેવી ધરાવે એ તકી.

પાઠ શીખવે છ વરસની ઉમ્રમાં હર ઇલ્મના,
ભલભલા આલિમને મૂંગા બનાવે એ  તકી.

નવ વરસની ઉમ્રમાં આપે જવાબો ત્રીસ હજાર,
મસઅલા ઇસ્લામના હર એક બતાવે એ તકી.

આ જગતના આલિમોથી એની શું સરખામણી,
ઇલ્મ સઘળાં ઇલ્મ પહેલાં જે ધરાવે એ તકી.

વારીસે ઇલ્મે લદુન્ની છે તો શું હેરતની વાત?
પૂછવા પેહલા જ જે ઉત્તર બતાવે એ તકી.

એ અગર જો પ્રશ્ન પૂછે સૌ મુનાઝીર ચૂપ રહે,
પૂછતાં જે ઇલ્મના દરિયા વહાવે એ તકી.

ઈબ્ને અકસમ જો કદી હજના મસાઈલ પૂછે તો,
બાળપણમાં હજના સૌ પાઠો પઢાવે એ તકી.

ઇલ્મ તારામાં હતું ક્યાં એટલું લખતો "કલીમ"
શાન ખુદ પોતાની તારાથી લખાવે એ તકી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો